પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગમતું.

પન્નાલાલ બજારમાંથી પાછો આવ્યો ત્યારે બન્ને બાળકો એકબીજા ઉપર બિલાડીનાં બચોળિયાંની માફક ખડકાઈને સૂઈ ગયાં હતાં. બન્નેની આંખોનું આંજણ મુંબઈની ગરમીને લીધે રેળાઈને લપેડા-લપેડા થઈ ગયેલા. રડતાં રડતાં ઊંઘી જવાથી આંખોનાં આંસુ, નાકના શેડા, મોંની લાળો અને બાએ આંજેલું કાજળ એ ચારેય ચીજમાંથી નીપજેલા ખટમીઠા, ચીકણા રસાયન પર માખીઓ દિવાળી માણતી હતી. ઊંઘમાં ને ઊંઘમાં બાળકો વારંવાર થોડુંક રડીને લવતાં હતાં કે, "હાલો ને, ભાઈ, દીવા જોવા ! હાલો ને, બા હેઠે ઊભી છે." બીજો છોકરો જાણે વિક્ટોરીઆમાં બેઠો હોય તેમ બોલતો કે, "ભાઈ, મારે ગાડીવાળાની બાજુમાં બેસવું છે: ઘોડો હાંકવો છે... નાPઇયેરનું પાણી પીવરાવોને, ભાઈ !"

પેઢી પરના બીજા મુનીમો અને મહેતાજીઓ પન્નાલાલની આ વેજાને જોઈ ખિખિયાટા કરતા હતા. વાતો ચાલતી કે -

"દિવાળી ટાણે તે આંહીં મુંબઈમાં કચ્ચાંબચ્ચાં પોસાય ? એ બારકસોને તો દેશમાં જ રવાના કરી દેવાં જોઈએ !"

"શેઠ દેખશે તો નાહકના ચિડાશે."

"- ને અત્યારે ચિડાય એટલે આખા વરસની મજૂરી ધૂળધાણી. કાલે સવારે બોણી બોનસ આપવાના હોય, તેના આંકડા ઉપર અસર થાય જ તો."

"એ ભાઈ... ! પન્નાલાલને કશો વાંધો નથી. એના ઉપર તો શેઠાણીની અમીની આંખ છે..." એમ બોલીને એક આધેડ ઉમ્મરના નામું લખનારે આંખોનો મિચકારો માર્યો.

"પન્નાલાલ ! બાઈ બોલાવે છે." ઉપરથી અવાજ પડ્યો. અવાજનો જાણે જીવતજાગત પડઘો હોય તેવો પન્નાલાલ વેગથી ઉપર ગયો. પેઢીના મહેતા-મુનીમોએ એકબીજાની સામે મર્માળી નજરો માંડીને નિ:શ્વાસ સાથે ઉદ્‌ગાર કાઢ્યો: "તકદીર ! બાપા, તકદીર !"

સંધ્યા થઈ ગઈ હતી. છોકરાં સળવળીને ફટાકડાના અવાજ