પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે. હું બીજાની બૈરી છું એ વાતની ઓથ લઈને મારે એને ના પાડવી નથી. એને તો મારે મુક્ત અને છેલ્લો નિશ્ચય કહેવો છે. મુક્ત દિલે મારે પસંદગી કરવી છે: કાં તો એને પાછો ચાલ્યો જવા કહેવું છે, ને કાં એની સાથે મારે ચાલી નીકળવાનું છે."

"એની સાથે? એ પરદેશીને પૂરો ઓળખ્યા વિના તું તારી આખી જિંદગી સોંપી દઈશ?"

"તમને પણ મેં ક્યાં પૂરા ઓળખ્યા હતા! ને છતાં તમારા હાથમાંય મેં મારી આખી જિંદગી સોંપી હતી ને?"

"પણ, દેવી, તે વખતે તો તારા ભવિષ્યનો તને ઝાંખો ઝાંખોયે ખ્યાલ હતો. ને આ માણસ તો કોણ છે, ક્યાંનો છે એ કશું જ તું નથી જાણતી." "નથી જાણતી તેથી જ એ ભયાનક છે. ભયાનક છે માટે જ મને ખેંચી રહેલ છે. એ અગમ્ય છે તેથી જ તેમાં ઝંપલાવવા હું તલખી રહી છું. મને એ જાણે હાથ ઝાલીને અતલમાં ઘસડી જાય છે."

"દેવી! હવે મને ગમ પડે છે. તું દરિયાની સાથે એકાકાર બની ગઈ છે. તું પણ ભયંકર છે: મને ખેંચે છે ને ધક્કો મારે છે; મને તરફડાવે છે ને ડરાવે છે."

"માટે જ મને રજા આપો. આપણે મિત્રો તરીકે છૂટાં પડીશું. મને તમારાં તમામ બંધનોમાંથી, હ્રદયની તમામ ગ્રંથિઓમાંથી મોકળી કરો."

"દેવી! તને વીનવીને કહું છું કે આજે એક દિવસ આપણે ભેળાં રહીએ, હું ને તું બન્ને શાંતિથી વિચાર કરીએ. તને હું એમ કેમ છોડું? મને હક્ક નથી? તારી રક્ષા કરવી એ મારી ફરજ છે. તારી રક્ષાનો એ મારો હક્ક અને મારો ધર્મ બજાવવો જ રહ્યો."

"મારી રક્ષા!" જલદેવી હસી પડી. "શું કોઈ બહારના શત્રુથી મને રક્ષવાનો સવાલ છે? ભય મારા ભીતરમાંથી ઊઠેલ છે. અંતઃકરણના ઊંડાણે એ ભયંકર લાલચ સળગી ઊઠી છે. તમે મને શી રીતે રક્ષવાના હતા?"

"એ લાલચ સામે શું તું લડીશ નહિ?"