પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તલખતી?"

"હા, તમે આ ઘરમાં આવ્યાં ત્યારથી જ તલખતી ફરે છે."

"હોય નહિ શા સારુ?"

"તમારા મોંના એક મીઠા બોલ સારુ." મોટી પુત્રીનું મોં પણ આંસુ છુપાવવા માટે ફરી ગયું.

"હાશ! હાશ!" જલદેવીએ નિઃશ્વાસ ઠાલવ્યો: "આ ઘરમાં જ મને ઠરી બેસવાનું એકાદ ઠેકાણું સાંપડ્યું હોત!"

[૫]

સંધ્યાનો છેલ્લો પહોર હાંફતો હાંફતો દરિયાપાર ઊતરી ગયો. જલદેવીના ભાગ્ય-નિર્માણની છેલ્લી ઘડી ચાલી આવતી હતી. અડધો કલાક જ બાકી હતો. પણ આખરી નિર્ણય પહેલાંનો એ અડધો કલાક હતો: લોહી નિચોવી લે તેવી એ થોડી પળો હતી.

પતિના ઘરમાંથી ઊખડી જવામાં પોતાને કશી જ વેદના નથી એવું જલદેવીનું માનવું હતું. એના જીવનના ઝાડને મૂળિયું જ ત્યાં બાઝ્યું નહોતું. એક ઓરડો, એક કબાટ, એક ટ્રંક કે એક બૅગ પણ એવી નહોતી કે જેને એ પોતાની કહી શકે. એના મમત્વને બાંધનાર કોઈ દોરી ત્યાં નહોતી. ઘર છોડતી વેળા ત્રણ પહેર્યાં વસ્ત્રો ઉપરાંત એક બચકી પણ એને લેવાની નહોતી. એક ચાવી પણ કોંઈને સોંપી જવાની નહોતી.

અને પતિ જબરજસ્તીથી રાખશે તો? હા, પતિએ છેલ્લા પછાડા મારતાં ધીરજ હારીને એમ પણ કહી નાખેલું કે, "હું તને ઘરમાંથી નહિ જવા દઉં!" તોયે શું? જોરાવરીથી એ જલદેવીના દેહને ઘરમાં રૂંધી શકશે કદાચ; પણ જલદેવીના મૂક અંતઃકરણના નિર્ણયને, એની પસંદગીને, એના પ્યારને કોણ બાંધવાનું હતું!

પતિએ ઘણી ઘણી ફોસલાવી કે, "તને કાલથી જ સઘળું સ્વાતંત્ર્ય આપું. તને ફાવે તે જીવન સ્વીકાર. તારું પોતાનું જીવતર પાછું વહેવા દે." પણ એનું પોતાનું જીવતર ક્યું? એ તો જે દિવસ જલદેવી દાક્તરને પરણવાની હા પાડી બેઠી હતી તે દિવસથી જ એ જીવતર કોઈ અકળ