પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાવાઝોડામાં ઘસડાઈ ગયું હતું; કેમ કે એણે જેને રાહ જોવાનો કોલ આપ્યો હતો, તેને જ તે દિવસે તજ્યો હતો. એ જ માનવી પોતાના કોલ પ્રમાણે બંધાઈ રહીને આજે એને સાચું જીવન જીવવાની ફરી એક તક આપવા આવતો હતો.

એ આવી પહોંચ્યો. જાહાજનો પહેલો પાવો વાગ્યો ને એનાં પગલાં બોલ્યાં, ગઈકાલે જ્યાં ઊભાં રહેવા કહેલું ત્યાં જ જલદેવી ઊભી હતી. પતિ પણ છેલ્લા પછાડા મારતો ને ચિરાઈ જતો ઊભો હતો. વાડ્યના સળિયા ઉપર ડોકું કાઢીને વિદેશી ઊભો રહ્યો. બોલ્યો: "દરિયાપરી! તૈયાર છો ને?"

દાક્તર વચ્ચે બોલી ઊઠ્યા: "તમે જુઓ છો કે એ તૈયાર નથી."

"ના, ના, હું એનાં ટ્રંક-પેટી કે પ્રવાસના પોશાક માટે નથી પૂછતો. એને જે જોઈએ તે બધું જ મેં જહાજ પર તૈયાર રાખ્યું છે. હું તો માત્ર એટલું જ પૂછું છું, દરિયાપરી, કે તમે મારી સાથે આવવા તૈયાર છો ને?"

"ઓ...ઓ!" જલદેવીએ ચીસ પાડી: "મને ન લોભાવો! ન ઘસડી જાઓ!"

"જો, દરિયાપરી!" જહાજ પરથી વાગતી ઝાલરને ઉદ્દેશી પરદેશીએ કહ્યું: "જો, આ પહેલો ઘંટ બજી ગયો. જહાજ પર ચડવાનો એ પહેલો ઘંટ. હવે હા કે ના કહી દે." જલદેવી હાથ મસળે છે: "જીવતરમાં, બસ છેલ્લી જ વારની પસંદગી કરવાની છે? પછી ફરી વાર શું કદી જ નહિ ફેરવી શકાય?"

"કદી જ નહિ. ને અડધા કલાક પછી તો અતિ મોડું થઈ ગયું હશે."

તીણી નજર ચોડીને જલદેવીએ પૂછ્યું: "આટલી દૃઢતાથી તમે શા સારુ મને જકડી રહ્યા છો?"

"કેમકે આપણે બન્ને એકીસાથે જડાયાં છીએ."

"સોગંદ લીધા હતા તેટલા કારણે શું?"

"નહિ, સોગંદ કોઈને ન બાંધી શકે: ન સ્ત્રીને ન પુરુષને. હું તો તને વળગી રહ્યો છું; કેમકે મારાથી બીજું કશું બની શકતું નથી: હું છુટકારો