પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પામી શકતો નથી."

ધ્રુજતે કંઠે જલદેવી બોલી: "તમે વહેલા કેમ ન આવ્યા?"

પરદેશી તાર ઠેકીને અંદર ગયો. તરત જલદેવી હટી ગઈ. પતિની પાસે ભરાઈ ગઈ. પૂછ્યું: "તમારે શું જોઇએ છે?"

"મારે જે જોઈએ છે તે જ હું તારા અંતરમાંથી સાંભળી રહ્યો છું. અંતે તું મારી જ બનશે."

દાક્તરે ધૈર્ય ગુમાવ્યું. એ આગળ ધસ્યા. બોલ્યા: "મારી સ્ત્રીને કશું પસંદ કરવાપણું રહેતું નથી. હું પોતે જ પસંદગી કરવા અને એને રક્ષવા અહીં ઊભો છું. તું ચાલ્યો જા. ફરીને કદી આવતો ના. નહિ તો - તું જાણે છે ને કે તારા શિર પર કાળ ભમી રહેલ છે?"

"ઓ વહાલા દાક્તર!" જલદેવી બોલી ઊઠી: "નહિ નહિ, એ નહિ, હો!"

પરદેશીએ પૂછ્યું: "તમે શું કરશો?"

"હું તને કેદ કરાવીશ."

"હું પણ એ સારુ તૈયાર જ રહું છું. એટલા સારુ તો -" પોતાની છાતી પરના અંદરના ગજવમાંથી એણે રિવૉલ્વર કાઢી: "એટલા સારુ તો મેં આ સાથે જ રાખી છે."

દોડીને જલદેવી દાક્તરની આડે ઊભી રહી: "નહિ હો! એને ન મારશો. એ કરતાં તો મને જ ઠાર કરો!"

"ન એને કે ન તમને, દરિયાપરી! આ મોત તો મારા પોતાના સારુ જ છે; કેમ કે હું સ્વતંત્ર માનવી તરીકે જ જીવવા અથવા મરવા માગું છું."

જલદેવીનાં અધબીડ્યાં હ્રદયદ્વાર પૂરેપૂરાં ઊઘડી ગયાં. માતાને દેખી ખીલો ઉખેડી નાખવાનું જોર કરતા વાછરુની માફક એણે છેલ્લો તરફરાટ અનુભવ્યો. પતિ તરફ જોઈ એણે કહ્યું: "સાંભળો, દાક્તર, સ્પષ્ટ સાંભળી લેજો. તમે તમારા સત્તાબળથી ને લાગવગથી મને જકડી રાખી શકો તેમ છો. ને એ જ તમારો વિચાર છે, તો સુખેથી રાખો; પરંતુ મારા દિલને -