પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાંભળતાં ઊઠ્યાં. રોતાં સૂતેલાં એટલે રોતાં જ જાગ્યાં. ટીખળી મહેતાઓએ બન્નેને ઉપરને દાદરે ચડાવ્યાં. "ભાઈ ! દીવા જોવા જવું છે !" એવા રડતા અવાજ સાંભળતાં જ પન્નાલાલ શેઠાણીની સાથે વાતો કરતો કરતો ઝડપથી બહાર નીકળ્યો. ઉપર ચડી ચૂકેલાં છોકરાંને એણે હાથ ઝાલીને હડબડાવ્યાં કે "પાછળ શીદ દોડ્યાં આવો છો ?"

શેઠની પત્ની દાદર પર આવ્યાં: "શું છે, પન્નાલાલ ?"

"ના... કંઈ નથી."

"આ કોણ છે ?"

પન્નાલાલ કશું ન બોલ્યો. "ભાઈ, પેશાબ કરવો છે... ભાઈ, ઝાડે જવું છે..." એવા રુદન-સ્વરોના જવાબમાં, "કજિયા કરાય નહિ !" એમ ડારતો પન્નાલાલ બન્ને બાળકોને નીચે ઘસડી જતો હતો. શેઠાણી સમજી ગયાં કે, તાબૂત ટાણે વાઘ-દીપડાના વેશ કાઢેલ જેવાં બન્ને ભૂલકાં પન્નાલાલનાં જ લાગે છે. "તે ઝાડે બેસવા આંહી આપણા સંડાસમાં જ ભલે ને જાય !" એમ કહી એણે બન્ને બાળાકોને હાથ ઝાલી, ઘાટણને કહી સંડાસમાં મોકલ્યાં. અગાઉ કદી ન જોયેલાં આરસનાં સાફ અને દુર્ગંધ વગરનાં સંડાસો દેખી પ્રથમ તો આ 'ચાલી'નાં બાળકો મૂંઝાયા; પછી હરખાયાં, બેઠાં બેઠાં રમ્યાં. ફરસબંધી ઉપર હાથ ફેરવવા લાગ્યાં.

પન્નાલાલ ઘણું શરમાયો. શેઠાણીએ પૂછ્યું: "તમારાં વહુને આંહી કેમ કોઈ વાર લાવતા નથી ? એ કયા ગામનાં છે ?"

"માધવપુર -" 'ના' કે 'ની' પ્રત્યયમાંથી કયો લગાડવો એની મૂંઝવણ થવાથી પન્નાલાલની જીભ ફક્ત 'માધવપુર' કહીને થોથરાઈ ગઈ. શેઠાણી હસ્યાં.

"હું પણ માધવપુરની છું."

"હું જાણું છું."

"શી રીતે ?"

"મને મારી વહુએ કહ્યું હતું."

"એમને કેમ કોઈ દિવસ આંહીં લાવતા નથી ? મને એકલવાયુ લાગ્યા