પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનુભવોની વણકરી


આ વાર્તાઓ વાસ્તવલક્ષી હોવાથી એના વણાટામાં ધરતી પરના, પોતાના તેમ જ પારકા સાચા અનુભવોની વણકરી તો અનિવાર્ય જ બને છે. વાસ્તવલક્ષી વાર્તાઓ દોરનાર ઘણુંખરું માટીનાં માનવીઓ વચ્ચે જ આથડે છે, બનતા બનાવોને ભાળે છે, જીવતાંજાગતાં માનવ હ્રદયોને સારા-નબળા ધબકાર, મનોવ્યાપાર, આવેશ, વિચાર, વિકાર ઇત્યાદિની બહુરંગી લીલા જોતો એ ઊભો હોય છે.


સંસારની દિન પર દિન પલટાતી આ અનંત લીલાને લેખક ફાવતી રીતે નિહાળી નિહાળી એનું પોતે કરેલું કૌશલયુક્ત પૃથક્કરણ, સમગ્ર દર્શન તેમ જ જુદા જુદા ખૂણાઓ પર ઊભીને કરેલું દર્શન બીજાઓને બતાવવામાં આનંદ માને છે, પોતાના આનંદમાં અન્યને સાથીઓ બનાવે છે ને ગર્ભિત ભાવે જાણે કે એ અન્યને પૂછે છે કે 'કેમ, આ વાતનું રહસ્ય તને આમ જ લાગે છે ને?'