પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પતિના પ્રતિબિંબને ચીરાતું દીઠું.

"પન્નાલાલ !" શેઠે બાજુના ખંડમાં જઈને કહ્યું: "કાં કુટુંબ, ને કાં કામકાજ ! બન્ને ન પોસાય. તમારી ખાતાવહી રઝળે છે - જાણો છો ?"

છેલ્લો એક મહિનો થયાં બબે વાગતાં સુધીનો ઉજાગરો ખેંચી રહેલી પન્નાલાલની લાલઘૂમ આંખો ફાટી રહી.

"ને કાલ સવારે બોણી લેવા તો સહુ દોડ્યા આવવાના !" શેઠે મોજાં કાઢતાં કાઢતાં દુભાઈને ઉમેર્યું.

ગયા એક વર્ષની તનતોડ મજૂરીએ આ એક જ પળમાં જાણે કે પન્નાલાલના શરીરનો મકોડેમકોડો તોડી નાખ્યો.

"કોઈ પણ હિસાબે ખાતાવહી સવાર સુધીમાં પૂરી થવી જોઈએ." શેઠે પન્નાલાલના પ્તેતવત્ બનેલા દેહ ઉપર જીભનો કોરડો લગાવ્યો.

ત્રીજા માળની એ મેડી ઉપરથી નીચે ઊતરવા દાદર છે કે પરબારો રસ્તા ઉપર ભુસ્કો મારવાનો છે, એ વાત ઘડીભર તો પન્નાલાલ ભૂલી ગયો. કબાટના ઉઘાડા બારણાને એણે ઘડીભર દાદરનું દ્વાર સમજી લીધું. શેઠના ઓરડામાંથી એ પગે ચાલીને બહાર નીકળ્યો કે ગલોટિયાં ખાઈને ? કશી ખબર પડી નહિ. પોતાની પછવાડે સ્પ્રિંગવાળું અરધિયું બાર ચીસ પાડીને જ્યારે બિડાયું, ત્યારે જાણે કોઈએ એના બરડામાં એક ઘુસ્તો લગાવ્યો હોય તેવો શેઠનો દુભાયેલો ઉદ્‌ગાર સંભળાયો કે, "સહુને દિવાળીની બોણી જોઈએ છે: કામ નથી જોઈતું."

દાદર પાસે શેઠાણી ઊભાં હતાં, એની આંખો પન્નાલાલને પેઢીમાં જતો જોઈ રહી. શેઠે એને એનાં સ્ત્રી-બાળકોનાં દેખતાં - અરે, મારા સાંભળતાં ઠપકો આપીને એ જુવાનનું અભિમાન શા માટે હણ્યું ? પાંચેય દાદરની સળંગ ગૂંચળાકાર નિસરણી જાણે કોઇ અજગર એને ગળી જવા ચડતો હોય એવી દેખાઈ. પન્નાલાલની પત્ની અને બન્ને બાળકો ચાલ્યાં, તેને એ 'આવજો !' પણ ન કહી શકી. છોકરાં માની સાથે કજિયો કરીને પાછાં પેઢીમાં ગયાં. "ભાઈ ! દીવા જોવા જવું છે. હાલો, બા નીચે ઊભી છે" એવી જિકર કરવા લાગ્યાં.