પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શેઠે પૂર્ણાહુતિ કરીને કહ્યું: "આ વર્ષે આપણી પેઢીને આટલા મોટા સ્ટાફની જરૂર તો નથી."

સહુના સ્વાસ અધ્ધર ચડી ગયા.

"કોઈ ડરશો નહિ: કોઈને કમી કરવાના નથી. પન્નાલાલનું એદીપણું મને નથી ગમ્યું. પન્નાલાલ ક્યાં છે ?"

"આવેલ નથી."

"શું આવે ! ખતવણી બાકી રહી હશે. મુનીમજી, એને બોણી પહોંચાડજો, હો કે !"

એ પછી શેઠને ઘેર જ ચહા-નાસ્તો લેવાનો ને સહુએ સાથે ફોટોગ્રાફ પડાવવાનો કાર્યક્રમ હતો.

દલસુખે ને ઓતાએ પોતાની દીકરીઓ સારુ દસ-દસ રૂપિયાનાં 'ઇમીટેશન' હીરાનાં એરિંગ લીધાં ને દેશમાં રવાના કર્યાં. સાંજે સહુએ 'છેલ-છેલૈયા'નું નાટક જોયું. બાર બજ્યા સુધી ગ્રામોફોન બજાવ્યાં. પન્નાલાલને ઘેર મોકલવામાં આવેલ રૂ. ૧૧ પાછા આવ્યા હતા ને તે સાથે જ પન્નાલાલનું રાજીનામું આવ્યું હતું.

તે પહેલાં બપોરે શેઠને ઘેર એક નાની વાત બની ગઈ હતી. શેઠે શેઠાણી સારુ પાંચ હજારનાં હીરા-મોતી આણ્યાં. "વિમળા ! આજે તો આ પહેરીને જ નાટકમાં જવું છે. આપણી 'બૉક્સ' ગ્વાલીઅરના મહારાજાની 'બૉક્સ'ની બાજુમાં જ બુક કરાવી છે."

પોતાના કંઠમાં હીરાનો હાર રોપવા સારુ લંબાયેલા શેઠના હાથને વિમળાએ ધીરે પણ મક્કમ હાથે પાછા વાળ્યા; એક કરડું હાસ્ય કર્યું.

"કેમ ?"

"મને એ હારમાં પન્નાલાલની આંખો પરોવેલી દેખાય છે." એટલું કહીને એ બીજા ઓરડામાં ચાલી ગઈ.

રોજ પ્રભાતે ઊઠીને વિમળા પોતાના ચાર માસના ગર્ભાધાનનું ધ્યાન ધરીને બોલતી કે, 'મારા બાળ ! તારી આંખોમાં થોડીક પણ એ ગરીબની આંખોની અણસાર લેતું આવજે !"