પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈસારીઆને મળ્યા છો ? શી રીતે જાણ્યું કે વાત સાચી છે ?"

મેં કહ્યું : "વાતનું સત્યાસત્ય તો હું બરાબર ચકાસી કાઢીશ. પણ ધારો કે આવું બન્યું જ હોય, તો આપ શું કહો ?" મારે તો હરકોઈ હિસાબે એમનું મંતવ્ય મારા ’દિનબંધુ’ના આવતા અંક સારુ કઢાવી લેવાનું હતું.

"ના-ના, એ બીજી કોઈ રીતે બન્યું હશે. કંઈક બીજાં ગુપ્ત કારણો હશે. તમે એ શખ્સનું ચારિત્ર્ય, એની કારકિર્દી વગેરે તપાસો. આમ અધ્ધરથી વાત ન કરો."

હું ચાલ્યો ઈસારીઆની શોધમાં. એનું ઠેકાણું ’ડોકામરડી’ ગલીમાં હતું. આ ઘરનો અમુક નંબર હતો. હું જઈ પહોંચ્યો. એક અંધારિયો મજલો હતો. ઓરડીઓ પર નામ નહોતાં.

પૂછપરછ કરી. ભોંયતળિયામાં રહે છે ખરો. હું ત્યાં ગયો. દિવસવેળા હતી, છતાં દેવદારનાં ખોખાંનાં પાટિયાંની દીવાલની ચિરાડો અંદર દીવો બળતો હોવાનો ભાસ દેતી હતી.

મેં બારણું ભભડાવ્યું. અંદર કશોક સંચાર થતો હતો, તે એકદમ ચૂપ થઈ ગયો. વાતાવરણમાં જાણે ફટકો પડ્યો. મેં ફરી બારણું ભભડાવ્યું.

થોડી વારે બારણું ઊઘડ્યું. પચીસેક વર્ષની જણાતી ઓરતે અર્ધઊઘડ્યા બારણામાંથી ડોકું કાઢ્યું.

મેં પૂછ્યું : "ઈસારીઓ છે ? એણે જવાબ ન દીધો, પણ ઈસારીઓ ઘરની અંદર ક્યાંયે છૂપાઈ તો નથી રહ્યો એવી કેમ જાણે ખાતરી કરાવતી હોય તેમ આખું જ બારણું ઉઘાડી નાખ્યું.

એ અંધારિયું, ભેજવાળું ઘર હતું છતાં સાફસૂફ હતું. નીચી છત ઉપર ગૂંચળેગૂંચળાં ભરીને ધુમાડા કાઢતો દેશી દીવો બળતો હતો. ત્રણ છોકરાં - ત્રણેય છોકરાં ચાર વર્ષની અંદરનાં - એની ભીની ભોંય પર બેઠેલાં. ધાવણું બાળક એક ખાટલા પર સૂતેલું.

"ઈસારીઓ ક્યાં છે ? મારે જરૂરી કામ છે."

"પોલીસ-ચકલે હશે."

હું ગયો પોલીસ ચકલે. પૂછ્યું. પોલીસના હોઠ પર પણ અદ્શ્ય બટન