પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બિડાયેલાં હતાં. પછી મેં ’દીનબંધુ’ છાપાની પિછાન દીધી. જાદુ થાય તેમ તેની જીભ ઊપડી: "ઈસારીઆને તો કોર્ટે છોડી મૂક્યો છે."

હું પાછો ઇસારીઆને ઘેર ગયો. એ હજુ નહોતો આવ્યો. બાઈને મેં ખુશખબર દીધા. પણ મારાં અભિનંદનની કશી અસર મેં તેના મોં ઉપર ન દીઠી. એણે એક તૂટેલી ખુરસી લૂછીને મને તે પર બેસવા કહ્યું.

ઇસારીઓ આવી પહોંચ્યો: એ ઠીંગણો, ઠીક ઠીક બાંધાનો આદમી હતો. એની ઓરતે એક હરફ પણ બોલ્યા વગર મને ઈસારીઆ તરફ આંગળી ચિંધાડી.

શિકારીઓના પંજામાંથી બચી છૂટેલ સસલા જેવી એની મનોદશા હતી. અમે બેઠા. મેં એને બધી વાત પૂછી. ગરીબ માનવી શરમાઈ જઈને જે નિરાધારીભરી આજ્ઞાંકિતતા સાથે વાત કરે, તે રીતે એણે પણ પોતાની કથા શરૂથી આખર સુધી કહી દીધી. છાપાંમાં આવેલી બીના પૂરતું તો બધું જ બરાબર હતું.

પરંતુ મૂળ જીવન-કથા આમ હતી: "અમે ... જિલ્લાનાં વતની. મારા બાપને જમીન છે. અમે પાંચ વર્ષ ઉપર અહીં આવ્યાં છીએ. હું બિસ્કૂટ-ડબલરોટીવાળાની દુકાને ભઠિયારખાનાનું કામ કરતો. પણ ગિયે ઉનાળે મુંને અકસ્માત થિયો. પગ ભાંગેલો. ઇસ્પિતાલમાં રિયો: જહાન્નમ જેવું. દોઢ મૈનો રે‘વું પડ્યું. બા‘ર નીકળ્યો. અસલ ધની સાનો રાખે ! લંગડાને કોન રાખે ?"

"કેમ ન રાખે ? તને અકસ્માત તો ત્યાં બિસ્કિટને કારખાને જ થયો ને ?"

"ના, તિયાં અકસ્માત સાનો થાય ? એ તો બધાં સારાં લોક છે. પગ ભાંગ્યો તે તો રસ્તા પર એક મોટરના ખટારાએ મુંને પટકી દીધો તેથી. દેખોને..." કહીને એણે પાયજામાનો એક પાયજો ઊંચે ચઢાવી ગોઠણ ઉપરનો જખમ બતાવ્યો: હજુ જખમની જગ્યા લાલચોળ અને પોચી હતી; ટેભા લીધેલા તે જગ્યામાં ગૂંથ પડી ગયેલી.

મને તો, આ રીતે, ખૂબ લેખન-સામગ્રી જડી: માનવીના ગુનાની