પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાછળ કેટલાં તત્ત્વોની પરંપરા ઊભી હોય છે !... પોતાનું મુકદ્દર અજમાવવા દેશાવર ખેડવા નીકળી પડેલો ફક્કડ જુવાન : તન તોડીને મહેનત કરનારો: વફાદાર ઓરત: નીરોગી બચ્ચાં: કાયમી નોકરી: સંતોષી જિંદગી: એમાંથી એકાએક બેનસીબીનો ઉદય: આંધળી ઝડપે દોડતા ખટારાથી જફા થઈ, ઇસ્પિતાલે પડ્યો, રોજી બંધ પડી, નોકરી ગઈ... પછી ? "પછી હવે તું તારે વતન કાં નથી ચાલ્યો જતો ?"

ઈસાર કહે: "જાવાનું દિલ બહુ જ છે. પણ રૂ. ૩૦૦ ખરચી કાંથી જોગવું ? બસ, રૂ. ૩૦૦ હોય ને !"

રૂ. ૩૦૦ તો કેમ જાણે એને મનથી ત્રણ લાખ હોય, તેવી રીતે એ બોલતો હતો.

"તેં ઇસ્પિતાલથી છૂટ્યા પછી પકડાઈ જવા સુધીમાં શી રીતે ગુજારો કરેલો ?"

"સારી ચાકરી ન મિલી. એક હોટલમાં વાસણ માંજવા રિયો. પન એમાં નભાવ ન થઈ સક્યો. એક મૈના પર વહુને છોરુ આવ્યું."

"પણ, ભાઈ ઈસાર, તેં પેલી ચીંથરી શા માટે ચોરી હતી ?"

એણે મારી સામે તાક્યું. એ બોલતો બંધ થયો. ત્રૂટક-ત્રૂટક જબાન ચલાવી: "હું સું જાનું ! મૂંને કેમ પૂછો છો ? મુંને સી ખબર પડે કે મેં સા સારુ ચોરી ? શનિવારે ઘર-ધની કહે કે ભાડું દે નીકર બહાર નિકલ. મુંને નીંદ ન આવી. ઊઠીને બાર ગિયો. જઈને ઈ કામ કર્યું: બીજી મુંને સી ખબર ! મુંને સી માલૂમ કે સા માટે ?"

"પણ તને ઈજા ન થઈ હોત તો ?"

"તો તો હું ડબલરોટી પકાવતો જ હોત ને ?"

"તને પગ ભાંગ્યો તેની નુકશાની ન મળી ?"

"ના."

"ઇસ્પિતાલનું ખર્ચ કોણે ચૂકવ્યું ?"

"કુંપનીએ."

"કઈ કુંપનીએ ?"