પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ખટારાવાલી."

"તું તારી કસૂરથી હડફેટમાં આવી ગયો - કે ખટારાવાળાની ?"

"મારી નહિ - ખટારાવાલાની. આ જુઓ... હું અહીંથી આવતો હતો, ને ખટારાવાલાએ..." એમ કહેતાં કહેતાં ઈસારીએ જમીન પર આંગળી વતી નકશો દોરી બતાવ્યો. "ખટારાવાલાની જ કસૂર: એણે જ મુંને જફા કીધી."

"બસ, ઈસાર, તું એ પોઈન્ટને મજબૂતપણે પકડી રાખજે, હો ! ભૂલી ન જતો. એ ખટારાવાળી કંપની પાસેથી નુકસાનીની રકમ આપણે ઓકાવશું જ. એ સાલાઓને અમારા ’દીનબંધુ’ છાપામાં પૂરેપૂરા ઉઘાડા પાડવા છે. આ આંધળી ઝટપે મોટરો હાંકનારાની સામે અમે કંઈ ઓછું નથી લખતા. આજે બરાબર લાગ છે. તું ફિકર કરીશ નહિ. તેં નુકસાની મેળવવા કંઈ પગલાં લીધેલાં ?"

"વકીલ રોકેલો. વકીલે રૂ. ૨૦૦ની નુકસાની માગવા કહ્યું: અરધા એના ને અરધા મારા. પણ આજ દન લગી પત્તો નથી. હું વકીલની આગળ જ ગિયેલો."

વાહવા ! એક પછી એક મુદ્દાઓ હાથ આવતા જાય છે. પચાસ ટકાની ફી આવા લોહીના પૈસામાંથી પડાવનારો વકીલ ! ઠીક છે, બચ્ચા, ’દીનબંધુ’ એ તમામનો કાળ બનશે. વકીલનું નામ મળ્યું. તમામ મુદ્દા મળી રહ્યા. આખી કથાના અંકોડા સંકળાઈ ગયા. ફક્કડ વાર્તા સર્જાવી શકાશે. ગરીબોને શોષનારાઓનું ભયાનક કાવતરામંડળ જગત જોશે.

હવે મારે માત્ર એ ખટારાવાળી કંપનીનું નામ જોઈતું હતું.

"કોનો હતો એ ખટારો ? કોઈ જબ્બર કંપનીનો હશે."

"હવે મારે નામ આપીને સું કરવું છે, ભાઈ !" એમ બોલતો ઈસાર ખૂબ ઉશ્કેરાઈ ઊઠ્યો: જાણે કે એને નામ છુપાવવું હતું.

મેં ઊલટપાલટ ઘણા પ્રશ્નો પૂછ્યા: જવાબમાં ઈસાર કાંઈક ગોટા વાળતો હતો. એના રોષભર્યા મોંમાંથી સરખાં વેણ પડતાં નહોતાં. એની ગુજરાતી ભાષા ધડા વગરની હતી. એણે કંઈક મારા વિષે ને ’દીનબંધુ’