પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છાપખાના વિષે કહ્યું.

મેં કહ્યું: "હા, ભાઈ હા ! હું ’દીનબંધુ’ છાપાવાળો જ છું. ને ઘણું કરીને તો અમે એ ખટારાવાળી કંપનીને દમદાટી દઈને તને સારી એવી રકમ કઢાવી દેશું. તું સુખેથી બાળબચ્ચાં સાથે તારે દેશ પહોંચી જઈશ. તને રૂ. ૩૦૦ પૂરતા થઈ પડશે તો ખરા ને ?"

"અરે અલ્લા ! રૂ. ૩૦૦ કોણ દેતું‘તું ? રૂ. ૩૦૦ મળે તો તો ન્યાલ થઈ જાઉં ને ! મારો બાપ અમને આસરો દેસે. બાપડો સારો છે મારો બાપ. પણ રૂ. ૩૦૦ કંઈ એમ પડ્યા છે તે કોઈ મને ચોરટાને ધરમાદો કરે !"

"ભાઈ ઈસાર, એ બધું તું મારા પર છોડી દે. અમારું છાપું મોટા માંધાતાની મૂછના પણ વળ ઉતારે છે. અમે ચમરબંધીનેય ભૂ પાઈ દેશું. તું મને એ કંપનીનું નામ કહે."

એટલા જ શબ્દો એના મોંથી પડ્યા: "એને કોણ પોગે ?... ’દીનબંધુ’ છાપાવાળાને ?"

"હા, હા; હું જ એ છાપા તરફથી આવું છું. મેં તને વારંવાર કહ્યું કે, અમે એ બચ્ચાઓના ભીંગડેભીંગડાં ઉખેડી નાખશું: તું ખટારાના માલિકનું નામ કહે ને !"

"હા, હા, હું ક્યારનો કહું છું કે, ખટારો ’દીનબંધુ’ છાપાવાલાનો જ હતો: એણે જ મુને વગાડ્યું."

મેં અમારા સાતવારિયાના તંત્રીજીને જઈ વાત કરી. એ ચોંકી ઊઠ્યા. એને થયું કે, વહેલામાં વહેલી તકે આ ઈસારીઆને બાળબચ્ચાં સહિત ગુપચુપ એના દેશ ભેળો કરવો જોઈએ; નહિ તો ’દૈનિક સમાચાર’ને અથવા ’સાંજ’ને જો ખબર પડ્યા કે, જે ઈસારીઆ ઉપર ’દીનબંધુ’ આટલાં આંસુડાં ઢોળી રહ્યું હતું, તે બાપડાને ચીંથરી ચોરવા જવું પડ્યું તેનું ખરું કારણ તો ખુદ ’દીનબંધુ’નો ખટારો હતો, તેમ જ નુક્સાનીનો દાવો ચૂકવવામાં ’દીનબંધુ’એ જ આટલા મહિના ગલાંતલાં કરવામાં કાઢી નાખ્યા છે તો એ આપણા હરીફો આપણો પૂરેપૂરો ધજાગરો ફરકાવવાના.

અમારા તંત્રીજીએ ’મેનેજિંગ ડિરેક્ટર’ને વાત પહોંચાડી. મેનેજિંગ