પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાંદા જેટલા અપ્રાપ્ય અડદિયા સામે હાથ લંબાવી, કેમ જાણે તે લાડુ વળાવવામાં પોતાના પિતાએ હિસ્સો દીધો હોય તે રીતે માગતાં હતાં કે, "એ... એ...દેને અમારો ભાગ ! એ...એ... અમારો ભાગ !"

એ વખતે ઓચિંતી ઘરની અંદર કશીક ધડાપીટ થઈ, અને ગડગડાટ સાથે વૃષ્ટિ સમાન શબ્દો સંભળાયા કે, "કમજાત સા...લીએ કૂતરી ! તારું ને મારું મોત કાં નથી આવતું ?"

તડકે બેઠેલાં કંકુમા સમજી ગયાં. મનમાં ને મનમાં બોલ્યાં: 'અરેરે, પ્રભાતના પો'રમાં વળી પાછી મારપીટ માંડી ને, દીકરા ! અરે મૂવા, તને હમણાં આ શું ઝોડ વળગ્યું છે તે વહુને વારે-વારે મારી રિયો છે ? હોય, ઘર છે તે કો'ક દિ ઠોંઠ થાપલી હોય. અમેય અમારા સમામાં માર ખાધેલ છે. પણ આમ રોજ ઊઠીને કાંઈ પાટુએ-પાટુએ મરાતું હશે બાયડીને ?'

ડોશી આમ પોતાની જાણે બબડતા રહ્યાં. એનું માથું ખજવાળવું ચાલુ જ હતું. છોકરાંને પોતાના સાડલામાં લપેટતાં લપેટતાં એ બોખા મોંયેથી ત્રૂટક-ત્રૂટક બોલ્યે જતાં હતાં કે "બાયડી ઉપર... ગભરુ ઉપર હાથ-પગ ઉપાડ્યે શી સારાવાટ થવાની હ્તી ? આ કૂંડમાં તળશી કરમાઈ ગયાં એ શું અમસ્થાં-અમસ્થાં ?"

ત્રવાડી-ખાંચાના વસનારાં બધા પોતપોતાને બારી-બારણે ડોકાં કાઢીને રાજારામના ઘરમાં ચાલી રહેલી આ ધડાપીટ તરફ સરવા કાન માંડી રહ્યાં હતાં.

મેડી ઉપર બેઠેલા તુળજાશંકર વૈદ એનાં સ્ત્રીને કહે કે, "આ તે બ્રાહ્મણોનો વાસ છે વાઘરીવાડો ! રોજ-રોજ કેમ પોસાય !" વહુ કહે: "પોલીસ-ખાતાને કહીને એને આંહીંથી ખેસવો ને ! આ તો શેરીની આબરુ જાય છે."

"એ તો અંતે દાઢી એ જ માગે છે;" વૈદ્યરાજે કહ્યું: "આપણાં ખોરડાં ચણાતાં'તાં ત્યારે મેં એને શું થોડો વિનવ્યો'તો ? 'ભાઈ રાજારામ ! બાપા રાજારામ ! ભલો થઈને મને તારું ઘોલકું દઈ દે. મારે મકાનનો મેળ તૂટે છે. હું રૂ. ૨૦૦ રોકડા આપું.' પણ એ નો'તો માન્યો; આપણી ને