પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધનેશ્વરભાઈની મેડીઓ વચ્ચે પોતાનો કૂબો રાખી આપણને નત્યના ભૂંડા દેખાડવાની એની હઠીલાઈ એણે નો'તી છોડી. નાક કપાવીનેય અપશુકન કરાવવું તે આનું નામ ! પણ હવે તો હું હર્યો છું. બ્રાહ્મણના દીકરાની દયા હવે ખાવા જેવું નથી. કાંઈક ઇલમ કરવો તો પડશે ના ! કુળવાન ઘરની વહુ-દીકરીઉં વસે ત્યાં આવા કંકાસ કાંઈ રોજ ઊઠીને પાલવે ?"

એવી કૈં-કૈં વિવેચનાઓ કરી કરીને કોઈ હસતાં તો કોઈ ખીજે બલતાં એમ તમામ પાડોશીઓ પાછાં પોતપોતાને કામે લાગી પડ્યાં. કંકુડોશી ઓટલાની તડકીમાં મીઠી-મીઠી ખૂજલી ખજવાળતાં બેઠાં રહ્યાં. એની ઝાંખી આંખોમાં પાણીના છાંટા આવી ગયા તેનું કારણ દીકરાનું વહુ પરનું દુરાચરણ હશે, ઊંચે ચડેલા સૂર્યનાં કિરણોનો આંખોમાં સીધો પડતો અજવાસ હશે, કે તુળજાશંકર ત્રવાડીની એની પત્ની સાથેની ધીરી વાતો હશે તે કળવું કઠિન હતું.

રાજારામ હજુ ઘરમાં જ ઊભો હતો. પત્ની ઉપરના પોતાના વીરત્વે બહાર મોટો તમાશો મચાવ્યો છે તે ભાન થયા પછી ઘર બહાર નીકળવામાં એને શરમ આવી હતી. પાટુ ખાધા પછી પણ પત્ની મૂંગી જ રહી, અને જીભ વડે પણ સામો જવાબ ન વાળ્યો, ઓયકારો ન કર્યો, તેને પરિણામે રાજારામની મનોદશા ગાંધી-ચેલાઓને લાઠીમાર મારનાર સરકારી સિપાઈઓના જેવી થઈ પડી હતી. ઊભડક પગે એ નીચે બેઠો; લાલ-લાલ ડોળા ફાડીને પત્નીને પૂછ્યું: "મોંમાંથી ફાટ તો ખરી ! તને શું થાય છે ?"

"કાંઈ નથી - શું હોય ?"

"તો ખા આ છોકરીના સમ." વહુના ખોળામાં પેલાં ત્રણ ઉપરાંત એક ધાવણી છોકરી ધાવી રહી હ્તી, તેની સામે આંગળી ચિંધાડીને રાજારામે સોગંદ દીધા.

"અત્યારના પહોરમાં શા સારુ બાળકના સમ દો છો ?"

"મારે જાણવું છે કે તું મહિના-દિ'થી આમ નઘરોળ કેમ બની ગઈ છે ? બે દિવસથી ઘરમાં ખાંડ થઈ રહી છે, તે સંભારીને મને કાં વેળાસર કહ્યું નહિ ? મોં વીલું કરીને કેમ ઘરમાં બેઠી રહે છે ? કોઈ વાતના પૂરા