પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જવાબ કેમ નથી દેતી ? તને શું થાય છે ?"

દૂધ વિનાના ડાબા સ્તનને ચૂસતી છોકરીએ ભૂખના દુઃખે ચીસ પાડી, એથી વહુએ એને ડાબી બાજુથી ઉઠાવીને જમણા થાનેલા ઉપર ફેરવી. એટલામાં એની આંખો છલછલી પડી.

રાજારામનો રોષ-રક્ત ચહેરો દયાર્દ્ર બની ગયો. એણે પત્નની આંખોનાં પાણી પોતાની આંગળી વતી લૂછતાં-લૂછતાં પૂછ્યું:" ગંગા, મારા સમ છે: મને દિલ ખોલીને કહે, શી વાત છે આવડા બધા દુઃખની ?"

"તમારા કારખાનાનો વખત જાય છે. હમણાં જાવ. પછી રાતે વાત."

"ના. કારકહનું જાય જહાનમમાં. આજનું પ્રભાત આમ બગડ્યું છે, એટલે કામકાજમાં મારું ધ્યાન પણ સરખું નહિ રહે: છેકાછેકી થશે, અને હેડ-ક્લાર્ક ખિજાશે. માટે કહી દે. પછી હું મોકળે મને કામ કરી શકીશ."

નેત્રો નીચાં ઢાળીને ગંગા ફક્ત એટલું જ બોલી: "તમને શી ગમ ?"

"પણ શાની ?"

"કાંઈ નહિ... એ તો અમસ્તો મારા મનને મૂંઝારો થાય છે - બીજું કાંઈ નથી."

રેલવેના કરખાનામાં કારકુની કરી-કરી તૂટી મરનારો રાજારામ ક્યારે નવરો હતો જે સ્ત્રીના જીવનની આવી સાદી શબ્દ-રચનાની પાછળ સંઘરાયેલી સમસ્યાને અને આપદાને સમજી શકે ? 'કાંઈ નથી'ની ગૂંચ ઉકેલી ન શકાયાથી એ બોલી ઊઠ્યો: "મૂંઝારો શાનો ? હજી તો હું જીવતો છું."

"એવું શીદ બોલો છો ? આ છોકરાં, આપણી ગરીબી અને મારું શરીર બગડેલું - એવા નકામા વિચારો આવ્યા કરે છે."

રાજારામે ગંગાના શરીર ઉપર દ્રષ્ટિ ફેરવી. આજે પહેલી જ વાર એણે પત્નીના દેહને નિહાળી-નિહાળીને ઉકેલ્યો. ચોમાસામાં બે કાંઠે છલોછલ વહેતી દીઠેલી નદીને ચાર-છ માસ પછી વૈશાખ માસની વચ્ચોવચ્ચ ઓચિંતી જોવાનું બનતાં એક ખાબોચિયું પણ બાકી ન રહેલું માલૂમ પડે, અને જે લાગણી થઈ આવે, તે લાગણી રાજારામને અંતરે જાગી