પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊઠી. પરણ્યા પછીની તાજી તરુણાવસ્થામાં પત્નીને અનેકવર ખોળામાં લઈ-લઈને ગાઢ મમતાના પ્રવાહમાં ઝબકોળી હશે; પણ કોઇ વાર નહોતું સૂઝ્યું કે ગંગાના ગાલ ઉપર એક મસ હતો, ને કાનની કૂણી બૂટ પછવાડે ઝીણો એક તલ હતો. આજે એ મસ અને એ ગોળાકાર છૂંદણા-શી તલની ટીબકી જાણે કે ગંગાના દેહથી અલગ થવા મથી રહેલા જીવડાં હોય, કોઈ પશુના અંગ પર ચોટેલ ગીંગોડા હોય, તેવું એને લાગ્યું.

રાજરામ વિચારે ચડ્યો:

હું શું સમજીને આ એક પછી એક બાળકના જન્મોની ખુશાલી પામી રહ્યો હતો ! પાડોશીઓ હરેક વખતે પેંડા-પતાસાં વહેંચાવતાં હતાં; મિત્રો દરેક ગર્ભાધાનને તથા પ્રસવને મારું મહાન પરાક્રમ અને પરમ ભાગ્ય માન્ય કરતા હતા: તે બધાંની પાછળ આ પત્નીના એક વારના ભરચક શરીર ઉપર શી-શી શોષણ-ક્રિયાઓ ચાલી રહી હતી ! મારી ત્રીસ રૂપરડીની કમાણી, અને આ બે મેડીઓ વચ્ચે ચેપાઈ રહેલું મારું ગંધારું કાતરિયું - એમાં હું આ શો બોજો ખડકી રહ્યો હ્તો !

રાજારામની આંખો આડેથી રૂઢિનાં પડળ ધીમે-ધીમે ઊંચા ચડવા લાગ્યાં. ગંગાને તો એણે તે વખતે એટલું જ કહ્યું કે, "અરે ગાંડી ! એ તો પ્રભુ ની માયા છે. લખપતિઓ તો શેર માટી સારુ વલખે છે, ત્યારે તું આવા માઠા વિચારો કરી રહી છો ? દાંત આપીને જેણે જણ્યાં મોકલ્યાં છે, તે શું ચાવણું આપ્યા વિના રહેશે ?" એમ આશ્વાસન આપીને એ કારખાના તરફ ચાલ્યો તો ગયો, પણ વિચારો એને ઝીણી જીવાતના ઝૂમખાની માફક ઘેરી વળ્યા.

રેલ્વેનું કારખાનું ત્રણ સ્ટેશન દૂર હતું. કારખાનાના નોકરોને સારુ ખાસ જોડાતી ટ્રેન સવારમાં ઊપડી ગઈ હતી, એટલે રાજારામ બીજી પેસેન્જરોની ટ્રેનમાં ચડ્યો. જે ડબ્બામાં પોતે બેઠો ત્યાં જ હાથમાં ધર્માદાના ફંડની પેટી ખખડાવતો રતિશંકર ચડ્યો. પાંચ વર્ષોથી પોતાના કોઈ માયાવી બાળાશ્રમ માટે પૈસા ઉઘરાવી રહેલ આ રતિશંકરે તે પ્રભાતે પંદર હજારમી વાર પેસેંજરોની સામે ગદ્ગદિત અવાજે પેલી સાખી લલકારી: