પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કબીર કહે કમાલ કું: દો બાતાં શીખ લે !
કર સાહેબ કી બંદગી, ભૂખે કું અન્ન દે !

અને તે પછી, 'સર્વ પ્રકારનાં દાનથી જગતમાં અન્નદાન, વિદ્યાદાન શ્રેષ્ઠ છે' એ સદુપદેશ વડે શ્રોતાઓનાં હૈયાં પિગળાવીને બાળાશ્રમની પિછાન કરાવી જે બાળાશ્રમમાં પાંચ વર્ષનાં નિરાધાર બાળકોને પચીસ વર્ષ સુધી વિદ્યાબ્યાસ કરાવવામાં આવેછે. કોઈને ખબર નહોતી કે, રતિશંકરનો આ બાળાશ્રમ ક્યાં આવ્યો છે. છતાં લોકોએ ટપોટપ એની પેટીમાં પૈસા ટપકાવ્યા. આ દેખીને રાજારામને ઘડીભર આસ્થા બેઠી કે, 'દાંત દીધા તે ચાવાણું દઈ રહે છે.' પણ એ આસ્થા ઝાઝી વાર ટકી નહિ. પોતાના દરમાયાના ૩૦માંથી ૩૧ થવાને બદલે 'રીટ્રેન્ચમેન્ટ'માં પાંચ ઘટવાની તૈયારી હતી. જે નાના પુત્રની ત્રીજી વર્ષગાંઠ હજુ ચાર જ દિવસ પર ઊજળીને પોતે ખીર-પૂરી ખાધાં હતાં, તે જ પુત્ર આજે કદાપિ મરી જાય તો પોતાને ખાઝો આઘાત નયે લાગે એવી એની લાગણી બનવા લાગી. રતિશંકરને એણે પૂછી પણ જોયું કે, "અલ્યા, તારા બાળાશ્રમમાં મારા એક છોકરાને દાખલ કરીશ ?" પણ રતિશંકરે તો ત્યાં ને ત્યાં ઉતારુઓ વચ્ચે ઊલટાનો એને ફજેત કર્યો: "જોજો, ભાઈસાહેબ છતે માબાપે બાળકોને ધર્માદો ખવરાવવા માગે છે ! અલ્યા, તું તે બાપ છો કે કસાઈ ?" વગેરે વગેરે.

દરમિયાન તો 'વર્કશોપ'નું સ્ટેશન આવ્યું. રાજારામે સ્ટેશનના સુંદર બગીચા વડે વિભૂષિત પ્લેટફૉર્મ પર રબ્બર-ટાયરની, સ્પ્રિંગોવાળી બાબાગાડીઓ ફરતી દીઠી. ટૂંકા પગારના દસ કારકુનોની જગ્યા કાઢી નાખીને તાજેતરમાં એક ફાલતુ મોટી જગ્યા સ્થાપવામાં આવેલી, તે ઉપર નિયુક્ત થયેલા અધિકારીનાં ત્રણ છોકરાં એ બાબાગાડીઓમાં બેસી કનકમય તડકામાં ઝગારા કરી રહ્યાં હતાં. એ છોકરાંને અંગે ગરમ મોજાં, કાનટોપી અને ઝબલાંનો સંપૂર્ણ જાપ્તો હતો. ગોદરેજની તિજોરીમાં સંઘરેલ નાણા જેવી એ બાળશરીરોની સંરક્ષા હતી. બાબાગાડી ઠેલનાર નોકરો હતા. પોતાને ઘેર કંકુડોશીના ફાટેલ સાડલામાં લપાઈને બેઠેલ ત્રણ અર્ધનગ્ન છોકરાંને જોઈને રાજારામ ચાલ્યો આવતો હ્તો, એથી એના અંતરમાં આ