પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દશા-ભેદ દેખી છૂરી ચાલવા લાગી. પછી વળી કામકાજમાં એ વાત વિસારે પડી.

[૨]

ખાંચાનાં લોકોને પાકી ખબર હતી કે ગંગાવહુ નવા જમાનાના પોપલાવેડા કરનારી સ્ત્રી નહોતી. એ તો લોઢું હતી લોઢું: શરીરેય લોઢું ને મનથીય લોઢું. નહોતી એ એકલસૂરા સ્વભાવની, કે નહોતી કાચીપોચી, કજિયો બનતાં સુધી કરતી નહિ - ને કરતી ત્યારે આખા ખાંચાને ધરતીકંપના આંચકા લેવરાવતી. વાતોએ ચડતી ત્યારે લાંબા હાથને લહેકે એવાં તો ટોળ-ટીખળ જમાવતી કે સાંભળનારાંનાં શરીરો હસી-હસીને ગોટો વળી જતાં. શેરીમાં ગંગા 'કેસરિયો ઘોડો' નામથી ઓળખાતી; કેમકે એ વારંવાર લહેકા કરીને મલપતી-મલપતી શેરીમાં, બપોર-વેળાએ ભાયડાઓ ઘેર ન હોય ત્યારે, ગાતી કે-


વા'લા મારા કેસરિયો ઘોડો રે...
ગોપીયુંમાં રમવાને છોડ્યો !


એટલે જ ગંગાના સ્વભાવમાં થઈ ગયેલો આ નવો પલટો સહુને બિહામણો લાગતો હતો. શેરીમાં ભાત-ભાતની વાતો ચાલતી:

કોઈ કહેતું કે,"સવા મહિના ઉપર ગંગા નહાઈ-ધોઈને માથું ઓળતી હતી ત્યારે કોઈ ફકીર આવ્યો'તો: જનનો વળગાડ હશે, માડી !"

બીજી કહેતી: "ના રે ના; તે દિ'એક વેડવી વાઘરણ માગવા આવેલી, તેને ગંગાએ પોતાના હાથમાંથી શેરડીનો કટકો નો'તો દીધો. વેડવાં ભારી કામણટૂમણિયાં હોય છે. એને તો દેખીને બારણાં જ બીડી દેવાં જોઈએ. ગંગા તો એની જોડેય ધડાકા લેવા બેસે. પછી તો આ દશા થાય જ !"

કારણ ચાહે તે કહો, ગંગા જાણે આગલી ગંગા જ નહોતી રહી એ તો સાફ વાત હતી. એના મનમાં કાંઈક ઊંડુ-ઊંડુ ઘોળાતું હ્તું. મોટાં છોકરાં એનાથી બીને દાદીમા પાસે જ લપાઈ રહેતાં. ધાવણી છોકરીનાં નેત્રો માતાના મોં સામે તાકી-તાકીને થાકતાં, પણ ત્યાંથી વહાલનું એક ટીપું પણ વરસતું નહિ. ધણી ઉપર એનો મૂંગો ધિક્કાર જ ઝર્યા કરતો. ધણીના પગની