પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાછળના સ્ત્રીના અવતારની શી-શી યાતનાઓ સંઘરાયેલી પડી છે, તેની કલ્પના પુરુષને ક્યાંથી આવે ?

"ઓય ! ઓય મા ! એ પરભુ ! છ મહિના પછી મારું શું થાત ! તમારો ટૂંકો પગાર... ચાર છોકરાં... આપણે ત્રણ - એમાં હું પાંચમો જીવ ક્યાંથી ઉઝેરત ! ઓહ ! મારી કેડ્યના મકોડા ખડી ગયા છે. હું હાડકાંનો માળખો બની રહી છું. મને ગઈ સુવાવડે બે રૂપિયાનું ઘીયે પેટમાં રેડવા નહોતું મળ્યું. દસ દા'ડે મારે ખાટલો છોડવો પડેલો; ગાંસડો લૂગડાં ધોવા જવું પડતું અરધો ગાઉ આઘે. મારો દેઅ કટકે-કટકા થઈ ગયો'તો. એ સાટુ, મારા સાટુ, તમારા સાટુ, અભાગિયા નાના જીવને આ નરકમાંથી ઉગારવા સાટુ - મારે આ કરવું પડ્યું. અરેરે ! એના નાના રાતા હાથ: કૂણી આંગળિયું: ગરીબડું મોં... આહા ! કેવાં આવત !"

"માડી રે !" ખડકીને બારણે વાતો ચાલી: 'છોકરું... વાલામૂઈએ !"

ધડ, ધડ, ધડ લપાટો મારતા રાજારામના મોંમાંથી વધારે ભડકા નીકળ્યા:

"રંડા ! બાળ-હત્યા કરી ! લાખો હત્યાનું પાપ લીધું !"

એવી ભયંકર રાત વીતી ગઈ, રાજારામનો ઊભરો હેઠો બેસી ગયો, તે પછીના એના રાત્રિના બન્ને પહોર નરક-યાતના ભોગવવામાં વીત્યા.ગંગાનું આ કૃત્ય એને જુદી જ નજરે દેખાવા લાગ્યું. ગંગાની ભાંગીતૂટી વાણીમાંથી એણે જ્યારે વિચાર સાંકળીને આખી વસ્તુ ઉકેલી, ત્યારે એ ઠરી જ ગયો. ઉગ્ર આવેશના વમળો વચ્ચે ગૂંગળાઈ જતો આ બ્રાહ્મણ બાળ પરોઢે પાછો પત્નીનું માથું ખોળામાં લઈને પંપાળતો બેઠો હતો. 'મારાં પાપ ! મારાં પાપ ! હું આ સ્ત્રીને શોષી ગયો ! હું જ આની નાની-શી નરકનો ઉત્પાદક છું !' એ વાત એને દીવા જેવી દેખાઈ ગઈ.

[૩]

પ્રભાતે પાછાં ખડકીમાં બેઠાં બેઠાં મીઠી લૂખસની ચલ માણતાંમાણતાં કંકુમા સહુને સમજાવવા લાગ્યાં કે "માડી, વહુને તો રાતે કસુવાવડ થઈ ગઈ !"