પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હા, સા'બ."

"કોને ?"

"લાજમલાજાવાળા ખાનદાન ઊંચા વરણને, તમારે પગે પડું, સા'બ ! વધુ નો બોલાવશો. અમારી પાપીઓની જીભ હાલે તો તમારા જેવા ભાગ્યશાળીના કાનમાંથી કીડા ખરે, આ કિરટનો વાયરો ગંધાઈ ઊઠે. બસ ! તમારે પગે પડું છું. અમે બોલીએ તો તમારાં કૂંડામાં ફૂલનાં ઝાડવાં છે ને ઈયે લીલાં ને લીલાં બળી ભશમ થઈ જાય. અમારાં પાપ તો અમારા પેટમાં સમાયેલાં સારાં. પણ હું તો, સા'બ, વચાર જ ઈ કરી રઈ છું કે, આ બધાં આ ધનેશરભાઈ ને આ તુલઝાશંકરકાકો ને આ બોનદીકરીઉં શું જોઈને આ બાપડી ગંગા ઉપર ઊતરી પડ્યાં છે ? આ છોડીએ તો મોતમાંથી ઉગરવા સારું કર્યું છે: ક્યાં એને પાપ ઢાંકવાનાં હતાં ? બલોરી કાંચ જેવી આ બાપડી ઉપર - કીડી ઉપર- કટકાઈ કરનારાંને તો તમે ઓળખો સા'બ !"

"સારું; જાઓ." કહીને માજિસ્ટ્રેટે રાજારામને પૂછ્યું: "તારે કાંઈ કહેવું છે ?"

રાજારામ પોતાની ઘરડી માને ચાર નાનાં બાળકો સાથે હાજર કરી બોલ્યો: "મારે એટલું જ કહેવાનું છે કે, આપ નામદાર મારું ખોરડું જોઈ આવો; મારા ઘરની ઇસ્કામત તપાસો. મને 'રિટ્રેન્ચમેન્ટ'માં રૂ. ૨૦ પર મૂક્યો છે. મારી વહુ પાંચમી સુવાવડમાંથી જીવતી ઊઠત નહિ. મારા ખાતામાં પેન્શન નથી, 'પ્રોવીડન્ટ ફંડ' નથી; અને જિંદગીનો શો ભરોસો ?"

"બાઈ ગંગા, તારે કંઈ કહેવું છે ?"

ગંગાએ ઘૂમટો ઢાંકેલું માથું હલાવ્યું. એના હાથ-પગ ખુલ્લા દેખાતા હ્તા. કોઈ ખપાટનો 'ચાડિયો' કરીને મનુષ્યનાં લૂગડાં પહેરાવી ખેતરમાં ઊભો રાખ્યો હોય એવું તે વેળાનું ગંગાનું સ્વરૂપ હતું.

માજિસ્ટ્રેટે ફેંસલો સંભળાવ્યો:

"જગતની સ્થિતિ જ્યારે આઠ-આઠ દિવસે મહાન પરિવર્તન પામી રહી છે, ત્યારે પચાસ વરસો પર ઘડાયેલ કાયદાને ત્રાજવે ન્યાય તોળવા