પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેસવું એ ન્યાયાધીશનું દુર્ભાગ્ય છે ને ન્યયની ઠેકડી છે. સમાજમાં સહુથી મોટ અધર્મ તે મહેનતુ માણસોની કંગાલિયત છે. આ આરોપીઓએ પોતાની આવી બેહાલ દશામાં જો બાળકને જન્મ આપ્યો હોત, તો હું તેને ગંભીર અપરાધી ગણત. ગંગા જેવી હજારો સ્ત્રીઓ પાસે બાળકો જનાવવાં એ હેવાનિયત છે. પણ એક ઓરડાવાળા કાતરિયામાં રહેનાર રાજારામને અચોક્કસ મુદ્દતને માટે બ્રહ્મચર્ય-પાલનનો બોધ આપવો, એ ખોટી બડાઈ છે. સમય આવી પહોંચ્યો છે કે જ્યારે વિજ્ઞાનની ફરજ દરેક પ્રજાજનને સ્વેચ્છાથી સતતિ-નિયમન કરવાનાં સાધનો સોંપવાની છે. અનેક દીકરીઓને બાપથી, બહેનોને ભાઈથી, ગરીબ ચાકરડીઓને જુલમી માલિકોથી, પત્નીઓને દારૂડિયા કે રોગીઅલ ધણીઓથી ઓધાનો રહે છે; તેની સંતતિ જગત પર ઊતરવા દેવી, એ જગત પર અત્યાચાર છે. કાં તો પ્રજાની તમામ સંતતિની જવાબદારી 'સ્ટેટે' ઉપાડી લેવી, ને કાં પ્રજાને પોતાની તાકાત પ્રમાણે સંતતિનો ભાર કાબૂમાં રાખવાની છૂટ આપવી. આરોપીઓને મારે નછૂટકે સજા કરવી પડે છે. કેમકે ન્યાયધીશ કાયદાઓને આધીન છે. બાઈ ગંગાને ફક્ત કોર્ટ ઊઠતાં સુધીની સાદી કેદ ફરમાવું છું."

પોલીસ-ખાતાને મેજિસ્ટ્રેટ સાહેબ દીવાના બની ગયેલા લાગ્યા. તુળજાશંકરે અને ધનેશ્વરે નક્કી માન્યું કે ન્યાયાધીશને મોટી રુશ્વત મળી ગઈ છે. ઉચ્ચ જ્ઞાતિના અગ્રેસરોએ પોતપોતાની ન્યાત-વાડીમાં વિરોધ-સભાઓ બોલાવીને રાજારામ, ગંગા તથા મેજિસ્ટ્રેટ ઉપર તિરસ્કારના ઠરાવો કર્યાં.

પ્રમોદરાય વકીલને ઘેર શહેરના તમામ વકીલો તે રાતે એકઠા થયા. ઉઘાડા ઊઠવાની તેઓની તેઓની ઇચ્છા નહોતી; પણ ઘર-મેળે મળેલી એ સભાએ જે ચર્ચા કરી તેનો મુદ્દો એક જ હતો કે "આનું નામ ચૂકાદો જ ન કહેવાય: એમાં 'જજમેન્ટ'ની ભાષા જ નથી."

અને તે દિવસે ત્રવાડીને ખાંચે સંકડાશનો પાર ન રહ્યો.