પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ નિયમમાં રાખવા કોઈ પોલીસનો બંદોબસ્ત નથી. વીસ વર્ષની ઉમ્મર પ્રવીણે એ જ રસ્તાની માટીમાં પાળા ચાલીને કાઢી હતી; છતાં આ સરત એને નહોતી રહી.

"ડોસા, હવેથી ડાબી બાજુએ ચાલવાનું રાખવું, હો કે !" પ્રવીણે ખૂબ લહેકો કરીને કહ્યું.

"ભાઈ, એ તો રતાંધળાં છે." ટોળે વળેલ લોકોમાંથી કોઈએ ફોડ પાડ્યો.

"રતાંધળાં ? બન્ને જણાં ?"

"હા, બેય જણાં. સાંજ પડી, ને અંધારું થાય, એટલ હાઉં: ચકલ્યાં જેવું, ધબાય નમઃ !"

"શું કરે છે ?"

"ખેતરમાં મજૂરી કરે છે."

"પણ રાતે બેઉ જણા શી રીતે રહે છે ?"

"અઠે-ગઠે રોડવે. પણ, ભાઈ, એમાં આ એકની દયા ખાવા જેવું નથી. એવાં તો આ ગામડાંઓમાં સેંકડો નીકળશે."

"સેંકડો ? કેમ, કંઈ રોગ છે અહીં ?"

"રોગ શેનો ? ઈ તો ચાળીસ કે બહુ બહુ તો પચાસ વરસ વળોટ્યાં, એટલે ખેડુ ને વસવાયાં માતરને રાતનો અંધાપો: કુદરતી જ એવું, લોકો ઘણુંખરું રતાંધળું જ."

વધુ વાતચીતની વેળા નહોતી. પ્રવીણની બગી પાણીના રેલાની માફક અવાજ કર્યા વગર સરી ગઈ. આંહી ડોસો ને ડોશી પાછાં ડગુમગુ ઘર ભણી ચાલી નીકળ્યાં. રસ્તે ડોસીએ ડોસાને ફોડ પાડ્યો: "આને ઓળખ્યો ? ઊજમ વહુનો દીકરો પરવીણ: દેશાવરથી અઢળખ માયા રળીને આવ્યો છે."

"ઊજમ વહુ ? કઈ ?"

"લે'રચંદની ઘરવાળી: રાંડીરાંડ. મોરુકા કાળમાં બહુ કઠણાઈ હતી. જુઓને: આપણે ચોખામાં પાણીની છાશ કરતાં, તે બોઘરું ભરી જાતી."