પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રવીણ ઘેર ગયો; પણ એની રાત કંઈક વ્યાકુળતાભરી વીતી. રંગૂન શહેરના પાંચ જ વરસના વેપારમાંથી એની સ્થિતિ બંધાઈ હતી. નાનપણમાં એણે એવી ગરીબી વેઠેલી કે મોટાભાઈના વિવાહમાં વરઘોડિયાંને પહેલે દિવસે કંસાર જમાડવા માટેનો ગોળ પણ પાડોશીને ઘેરથી માગી લાવવો પડેલો. નવી લક્ષ્મી તો એક જાદુની માફક ઘરમાં આવેલી પડેલી. આવેલી માયા પાછી ક્યાંય રખેને તણાઈ જાય એ બીકે પ્રવીણ વેપાર સંકેલીને પોતાના ગામમાં બેસી ગયેલો. આશા હતી કે, પડ્યાં પડ્યાં મોજ માણશું. મોજ એટલે બીજું તો શું ? એક બંગલો, એક બગી, ઘરમાં કાચનાં બારણાવાળા કબાટ, કબાટમાં રમકડાં, વહુને માટે હેમ-હીરાના પાંચ વધુ દાગીના, અવાર નવાર મુંબઈ ના હલવા, મેવા કે હાફૂસ કેરી અને એક 'ફેમિલી-ડૉક્ટર'ની સગવડ.

પણ પહેલે કોળિયે જ માખી આવી. પ્રવીણને ફરીવાર બગીમાં ફરવા નીકળવાનો વિચાર થઈ શક્યો નહિ. એને પેલાં રતાંધળાં ડોસા-ડોસી યાદ આવ્યાં: અને, 'બાપુ ! લોક ઘણુંખરું તો અતાંધળું જ સમજવું !' એ વચન એને બરછી જેવું લાગ્યું. બીજે દિવસે સાંજ પડી, એટલે વહુએ જીવતરમાં પહેલી જ વાર લહાવો લેવો હોય તેવી જાતની તૈયારી બગીમાં ફરવા જવા માટે કરી. વડીલો, કુટુંબીઓ અને પોતાનાં ગામ-લોકોની લાજના કિલ્લામાંથી નીકળીને આજ પહેલી જ વાર એને પતિ સાથે સે'લગાહ કરવાની હતી.

"હું તો નહિ આવી શકું; તમારે જવું હોય તો જાવ." એમ જ્યારે પ્રવીણે કહ્યું ત્યારે વહુનું મોં પડી ગયું. છતાં એ તો બગી કઢાવીને એકલી-એકલી ગઈ.

પ્રવીણ એકલો પગપાળો સીમમાં નીકળી પડ્યો. એને પહેલો જ મેળાપ થોડે આઘે ભીમા રબારીની સાથે થયો. ભીમો ઊભોઊભો પોતાની ભેંસોને વાંભ કરતો હતો. એને ઉઘાડે શરીરે ત્રાંબા જેવો ચળકાટ હતો. એવી વાંભનો અવાજ અરધા ગાઉની સીમ ઉપર દેવળની કોઈ મોટી ઝાલર જેવો પથરાતો હતો. આજ પહેલી વાર પ્રવીણનું ધ્યાન આ રબારીની વાંભ ઉપર ગયું: શો કંઠ ! ભલભલા ગવૈયા પણ પાણી ભરે તેવું બુલંદ, મીઠું ગળું.