પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

-છાલિયું છાશનો.

છાશની પરબ બંધાઈ ગઈ. મજૂરમૂલીના લૂખા રોટલા ભીના થયા. પણ સાથોસાથ પ્રવીણની સ્ત્રીનાં નેત્રો પણ અણસૂક અશ્રુ-ધારા વહાવતાં થયાં: માંડ માંડ ઈશ્વરે દિ' વાળ્યો, દળણા-વાસીદામાંથી માંડ છૂટ્યાં, મોજ કરવાની માંડ વેળા મળી ત્યાં ધણીને આ શો ધંધો સૂઝ્યો ! બહુ થતું હોય તો પાંચ નોકરો રાખીને છાશ ક્યાં નથી કરાવી શકાતી ?

ના, ના પ્રવીણના અંતરનો ઘા ઊંડો હતો. એણે બધું નોકરને હાથે ન છોડી દીધું. એ તો ભેંસોના છાણ-વાસીદામાં પણ પોતે જ રગદોળાઈ ગયો. રાતે એનો ખાટલો કોઢ્યમાં પડતો. ત્યાં સૂતોસૂતો પ્રવીણ નિયમિત ભેંસોને નીરણ કરતો, પાવડી વતી છાણ વાળતો, ભેંસોની ઘાસ-પથારી કરતો, પ્રભાતે પાણી પાતો.

પ્રવીણ ઢોર ભેળો ઢોર બન્યો. પહેરવા ઓઢવાના એના શોખ ગયા. ગામતરાંની સે'લગાહ ગઈ. મિત્ર-મહેમાનો આવે તો પણ આ નિત્ય-કર્મ છૂટે નહિ. ગામને પ્રવીણે છાશથી તરબોળ બનાવ્યું. માખણ ઊતર્યા વિનાની જ છાશ વહેંચાતી.

ને એની કોડભરી વહુ રડતી જ રહી.

પંદરેક વર્ષોથી ચાલેલો છાશનો અમી-પ્રવાહ હજુ અટક્યો નથી. અખંડ ધારા વહી રહી છે.

ભેંસો પછી ભેંસો એ વધારતો ગયો. વેતર પણ વધ્યાં. લગભગ એક નાનું-શું ખાડું બની ગયું. એને ચારવા પણ પ્રવીણ પોતે જ જવા લાગ્યો. ગૌર-વરણો એનો દેહ ધીમે ધીમે ત્રાંબાનો રંગ પકડતો ગયો. પણ એને સુખ હતું: આરસીમાં જોવાનો મોહ ટળ્યો હતો. છાશની ગોળીમાં એ પોતાનું ભૈરવરૂપ પ્રતિબિંબ ક્યારેક ક્યરેક નિહાળી લેતો.

પણ લોકો છાની-છાની વાતો કરતાં હજુ: "બહુ મોટો ત્યાગી ! માયા તો હજુ એવી ને એવી બૅન્કમાં પડી છે: ઈ કાં નથી વે'ચી દેતો આ લો'કું ને !"

'હા, સાચું' પ્રવીણને છૂપું-છુપૂં ખટકતું. પણ મોહ મુકાતો નહોતો.