પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પછી એનાં ડાંખળાંપાંખડાં તો એકંદર જીવનના નિરીક્ષણમાંથી ફૂટેલાં છે. કોઇ એક જ ઘટનાને સાંગોપાંગ નથી ઉઠાવી.

બાકી રહેલી તેમ જ નવી લખાયે જતી વાર્તાઓનો બીજો ખંડ થશે.


રાણપુરઃ 28-9-’31
ઝવેરચંદ મેઘાણી
 


['ચિંતાના અંગારા', ખંડ - ૨]


આમાંની પહેલી ચાર વાર્તાઓ મારી સ્વતંત્ર છે. છેલ્લી 'પરિત્યાગ'ની કથા તો શ્રી રવિન્દ્રનાથ ઠાકુરની છે. એનો અનુવાદ મેં 'ગુજરાત'માં પ્રગટ કરાવેલો. એ મહાન કલાકારની કૃતિ આંહીં મૂકવામાં મારી વાર્તાઓને હું કદાચ જોખમમાં ઉતારતો હોઇશ. પરંતુ જેના અનુવાદમાં મારા અંતઃકરણે મૌલિક સર્જનનું મમત્વ અનુભવેલ છે, તેના સુખભોગમાં વાચકોને મારા બનાવવાનો મોહ મારાથી છોડી શકાયો નથી.

મારી આ શિખાઉ વાર્તાઓ છે. સહુ સ્નેહીઓ અને શુભચિંતકોનું નિઃસંકોચ નિવેદન હું નોતરું છું. તેઓને ખાત્રી આપું છું કે તેઓની ખંડનાત્મક તેમ જ મંડનાત્મક બન્ને પ્રકારની ટીકાઓનો આ કૃતિઓનાં ઘડતરમાં હિસ્સો છે.

બોટાદઃ 24 માર્ચ 1932
લેખક
 


['આપણા ઉંબરમાં']

જાતમહેનત કરનારાં ઉદ્યમી જનોની એક આખી દુનિયા આપણા ઉંબરમાં જ - આપણી પડખો પડખ જ - જીવે છે. જીવનસંગ્રામ કરે છે, ને મરે છે પણ આપણા ઉંબરમાં, છતાં આપણે અને એ પરસ્પર પરદેશી જેવાં બન્યાં છીએ. એમની સમસ્યાઓ આપણાથી સમજાતી નથી. કાં તો આપણે એની ઘૃણા કરીએ છીએ, ને કાં દયા ખાઇએ છીએ. દયા ખાવી એ પણ તિરસ્કારનું જ એક સ્વરૂપ છે.

આંહીં રજૂ થતાં ચિત્રોમાં કોઇ શ્રમજીવી-મૂડીદાર વચ્ચેના વિગ્રહની ફિલસૂફી નથી વણાઇ. એ પ્રશ્ન તો લેખકને માટે ગહન છે, ને ખાસ અભ્યાસ