પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમે જુઓ છો ને ગામ આખું છાશ લઈ આવે છે: આપણો પગ હજુ ઊપડ્યો છે ત્યાં જાતાં ?"

"ત્યારે ?"

"બીજું કાંઈ નહિ... પણ આ છાશની હડેડાટની હારોહાર એકાદ ઢોરનું દવાખાનું અને દાગતર રાખવાનું કે'વરાવત. આપણને કાંઈ કે'તાં થોડું આવડે છે ? ઈ મોટા માણસની પાસે તો આપણો અરજણ હોત તો કડકડાટ વાતું કરી આવત. દીકરા વિનાનું તો એવું છે: હેં-હેં-હેં-હેં... ! ડોસો પોતાના કંઠમાં ભરાયેલા ડૂમાને એ રીતે હસીને હડસેલવા મથી રહ્યો.

પ્રવીણચંદ્ર ત્યાં ઊભોઊભો આ બધું સાંભળતો હતો. એ સાદી વાતોની અસરથી એના ગળામાં પણ જે ખરેડી પડી હતી, તેને ખંખેરવા માટે એનાથી ખોંખારો થઈ ગયો.

"કોણ ઈ ?" ડોસાએ અવાજ કર્યો.

"બાપા !" કહેતો પ્રવીણ પાસે ગયો. "મને ન ઓળખ્યો ? તે દિ' ઘોડાઘાડીની ઠોકર; લગાડી તને બેઉને પછાડેલાં તે."

"કોણ - પરવીણચંદરભાઈ !"

"હા, જેની છાલિયું છાશ હજી તમે નથી સ્વીકારી તે અભાગી હું."

"તમે અટાણે આંહીં ક્યાંથી, ભાઈ ? આહીં આવો; બેસો"

"પાસે આવીને બેસું તો મને ફરી વાર માખણનું દડબું આપશો, માડી ?"

"માખણનું દડબું !" દોશી કંઈ સમજ્યાં નહિ.

"હા, એ માખણના દડબા જેવો જ સુંવાળો હાથ ફેરવશો મારા મોં ઉપર ?"

"આવ, બાપ; ઊજમ વહુનો દીકરો ઈ તો મારો જ દીકરો: મારો અરજણ અને જાદવ !" ડોશીએ પ્રવીણને ગાલે, કપાળે ને ગળે હાથ ફેરવી પંપાળ્યો.

"ઈથીય વધુ;" ડોસો બોલ્યો: "કેમકે તુંને-મુંને તો દીકરા પાળત, પણ આખા ગામને પાળવા કાંઈ અરજણ-જાદવ થોડા જાત !"