પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમલદારો કલ્યાણસંગના ઊતરી ગયેલા ચહેરા તરફ જોતા રહ્યા. પણ કોઈ કશું પૂછે તે પહેલાં તો સૂરજને તડકે ઝગઝગાટ કરતાં બટન, બકલ, બિલ્લા, ખંભા પરની સાંકળી અને તોતિંગ બૂટવાળો એ જુવાન પોતાની ઓરડી પર ચાલ્યો ગયો. ’ડ્રેસ’ ઉતારીને ’બાંડિસ’ છોડતોછોડતો પણ જાણે એ ચાર જ અવાજો હજુ સાંભળે છે : ટંચન : રાઈટ - એબાઉટ-ટર્ન : ક્વિક માર્ચ : ડિ-સ...મિ-સ !

પણ કલ્યાણસંગ સાત વર્ષોથી રસાલામાં રહ્યો છે. એને આ ચાર શબ્દોની નવાઈ નથી. એવા તો કૈકૈં શબ્દોએ એના દેહ-પ્રાણને યંત્ર સમાન બનાવી મૂકેલ છે. ’પોલો’ રમવામાં એ પોતાના ઘોડા ઉપરથી આવા જ હુકમને પરિણામે સાત વાર પટકાયો છે. બહારવટિયાની પાછળ ’ચાર્જ’ કરવામાં એણે ડુંગરો અને કોતરો ગણકાર્યા નથી. એવી ભયાનક જિંદગીએ તો ઊલટાની આ જુવાનની નસેનસે લાલ મર્દાનગી રેડી છે.

પણ આજે એની નસો ખેંચાય છે; કેમકે પોતાના વતન વાળાકમાંથી એને ઊડતા સમાચાર મળ્યા છે કે એની પરણેતર સુજાનબાને કસુવાવડ થઈ છે. લશ્કરી પોશાક ઉતારતાં ઉતારતાં એના હાથની આંગળીઓ અડકી તો રહી છે ફક્ત નિષ્પ્રાણ બટનોને કે સાંકળીને; પણ એને અનુભવ થાય છે કોઈ સજીવ, સુકોમળ, રોમાંચક સ્પર્શનો - કારણ કે આ પિત્તળનાં બટન-બિલ્લાને અને બૂટને આઠ માસ સુધી સુજાનબાના હાથ સાફ કરી ગયેલા છે. બાર જ મહિના પર પરણેલા એ જુવાનની રજપૂતાણી આ ઓરડાની ખપાટ-જાળી આડાં જે કંતાન બાંધેલાં છે તેની આડશે બેઠીબેઠી નોકરી પરથી આવતા ધણીની વાટ જોતી; અને વેળા ન ખૂટે ત્યારે એ લશ્કરી સિપાહીનો જે કંઈ લોઢાપિત્તળનો સરકારી સામાન પડ્યો હોય તે પોલીસની માટી વતી ઘસ્યા જ કરતી : ઘસીઘસીને અંદર પોતાનું મોં જોતી. એના મનનો સંતોષ એક જ હતો કે ’ઇન્સ્પેક્શન’ને દિવસે કલ્યાણસંગની સાફસૂફી સહુથી વધારે ઝળહળી ઊઠે. ગોળીબારની પરીક્ષામાં પણ દર માસે કલ્યાણસંગે છયે છ કાર્તૂસો ’ગુલજરી’માં જ આંટતો, એનું કારણ સુજાન હતી : રાઇફલની નળીને સુજાનબા કાચની શીશી સમી ચોખ્ખી ને ચકચકતી બનાવતી. બીજું કશું