પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કામ ન હોય ત્યારે કોપરેલના પોતાવાળો ગજ રાઇફલની નળીમાં સુજાન ઘસતી જ બેઠી હોય. ઘરેણાં કરતાં બંદૂક એને વધુ વહાલી હતી....

એટલે જ અત્યારે કલ્યાણસંગને એની ઓરત પલેપલે યાદ આવી. એણે સાદી સુરવાલ ઉપર બાંડિસ કસકસાવીને, અને પોતાના ઘોડાની સારવાર પાડોશીભાઈને ભળાવીને બપોરની ગાડીમાં મુસાફરી આદરી. રાતે દસ વાગ્યે એક નાનકડા જંક્શન પર રેલ્વે અટકી ગઈ. નાની ’બ્રાંચ’ ગાડી તો સવારે ચાલવાની હતી. એની વાટ જોતાં તો કલ્યાણસંગ વળતે દિવસે બપોરે ઘર ભેગો થાય. એણે રાતોરાત પગપાળી મજલ આદરી. હજુ તાજેતરમાં જ બહારવટિયાનો પીછો લેવામાં એને ડુંગરાઓની અંદર ઘોડાની પીઠ પર પાંચ રાતો કાઢવી પડી હતી. લોથપોથ બનેલું શરીર નીંદર માગતું હતું. ચાલતાં ઝોલાં આવતાં હતાં. અક્કેક ઝોલાંની અંદર નાનાં-નાનાં બે-ત્રણ સ્વપ્નાં પણ ઘેરી વળતાં. છતાં કલ્યાણસંગથી બે કલાકનોય વિશ્રામ લેવાય તેવું નહોતું.

એ સમજે છે કે બાપુના તરફથી તો સુજાન મરી જશે તેના સમાચાર પણ ઓરતની રાખ સ્મશાનમાંથી પવન ઉપાડી ગયો હશે તે પછી મળવાના. કદાચ એકનું મૃત્યુ અને બીજી નવી ગરાસણીની પ્રાપ્તિ - એ બન્નેના સમાચાર ભેળા પણ થઈ જશે. અંતરથી કલ્યાણ આ દશા સમજતો હતો; એટલે જ આજની રાત એને પંથમાં વિસામો ન હોય. કસુવાવડ શું અને સુવાવડ શું તેની આ જુવાનને ચોખ્ખી સાન સુધ્ધાં નહોતી. નાનપણમાં ગામની સીમો ખૂંદી આંબાની શાખો ચોરતો; બાર-પંદર વર્ષે નિશાળમાં માસ્તરને સ્લેટ મારી, પાદરમાં ચરતાં કોઈકનાં ટારડાં ઘોડાંને દળી કે લગામ વગર પૂરપાટ દોડાવતો; ને જુવાનીમાં ખભે દસ શેરની બંદૂક નાખી ’ડ્રીલ’ કરી : એટલે સંસારના ઘાટ શા, તેનું ભાન આ રજપૂત જુવાનને નહોતું. પણ એ તો વગર-સમજ્યે જ સુજાનને મળવા ધસ્યો જાય છે : જાણે કોઈ પોતાનું જીવન-ધન ચોરી જનાર ચોરની પાછળ હડી ન કાઢતો હોય એવું કારમું એનું ધસવું છે. ને ખરેખર એ રાત્રિએ કાળની અને કલ્યાણની વચ્ચે એક અગોચર સરત જ દોડાઈ રહી હતી. પણ યમરાજની રાંગમાં પ્રલયવેગી,