પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વચ્ચે ફક્ત એક જ સંબંધ-તાંતણો છે : વડારણ. વડારણના પ્રત્યેક આગમન વખતે ધર્મગઢ રાજ્યનો જુવાન લાન્સર કલ્યાણસંગ કાન માંડે છે. સ્ત્રીની માંદગીના સમાચારનો પ્રત્યેક બોલ એના ચહેરા પર અક્કેક છમકો ચોડતો ભાસે છે. પણ એનાથી ખબર પુછાય નહિ : એનાથી ઊર્મિ બતાવાય નહિ. આસપાસનાં ગામોમાંથી સગાંવહાલાંઓનાં કે ઓળખીતાઓનાં બૈરાંનાં માફાળાં ગાડાં અંદર જાય છે... અને બહાર નીકળે છે : એનાં પૈડાં પરની કાંકરી બનીને છૂંદાતો-છૂંદાતો પણ હું અંદર ઓરડે પહોંચવા તૈયાર છું એમ કલ્યાણસંગનું કલેજું બોલી રહ્યું છે; પરંતુ કોની મજાલ છે એ ઓરડે પહોંચવાની ! ક્ષત્રિયોનો મલાજો એમ કેમ તૂટશે !

"કલ્યાણ !" અધરાત ભાંગ્યા પછી દાયરો વીખરાયે રતાંધળા બાપુએ દીકરાને બોલાવ્યો.

"બાપુ !"

"તને કાગળ બે દી‘ પહેલાં જ લખ્યો."

"મને નથી પહોંચ્યો."

"મંદવાડ કાબૂમાં આવ્યો જ નહિ."

"દાક્તરને નહોતા બોલાવ્યા ?"

"દાક્તરને બોલાવ્યે મોટી હો-હો થઈ જાય, અને મહેમાનસેમાનનો પાર ન રહે. એ બીકે અમે બહુ દિ‘ કાઢ્યા. હવે તો સારાંસારાં ખેતરડાં હાથમાંથી છૂટી ગયાં ખરાં ને, એટલે મહેમાનોનો હડચો ઝિલાતો નથી, ભાઈ ! પણ પછી દાક્તરને તેડાવ્યા. એણે વાતચીત સાંભળીને દવાયું તો ઘણી દીધી."

"નાડ્યબાડ્ય ન દેખાડી ?"

"ઓઝલ-પડદાનું કામ : સુજાણે હઠ પકડી કે આડો ચક નાખીનેય દાક્તરના હાથમાં કાંડું ન દઉં. તારાં માએ થરમામીટર મેલીને મોકલેલું ડેલીએ."

"હવે ?"

"હવે તો જો‘છ ને ? દાખડો કરવામાં કાંઈ મણા નથી. મોરલીધર