પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માગી લે છે.

'ફક્કડ વાર્તા' અમેરિકાના 'નૅશન' પત્રના 'નાઇસ સ્ટોરી' નામના શબ્દચિત્ર પરથી ઉતારેલ છે. બાકીનાં ચિત્રો સ્વતંત્ર છે. 'ગંગા, તને શું થાય છે ?'નું સ્ફુરણ વિલાયતના કોઇ એક ન્યાયમૂર્તિએ, બનતાં સુધી તો જસ્ટીસ મેકકાર્ડીએ, એક કુમારિકાએ કરેલા ગર્ભપાતના ગુના પર આપેલ ફેંસલામાંથી નીપજેલું છે.

ટૂંકી વાર્તાની કલાને ધોરણે કસતાં આ વિચારી વાર્તાઓને 'વાર્તા' નામ નહિ આપો તો પણ ચાલશે. આ તો ચિત્રો છે. અનર્થ નીપજાવ્યા વિના રેલગાડીનાં મુસાફરોની વાટ ખુટાડવામાં ખપ લાગે તો બસ છે.


બોટાદઃ 23-5-’32
ઝવેરચંદ મેઘાણી
 


['આપણા ઉંબરમાં', આ. ૩]


1932માં આ વાર્તાઓની પહેલી આવૃત્તિનું દર્શન કર્યા પછી છેક આજે એનાં પ્રૂફ વાંચતાં વાંચતાં પુનર્દર્શન પમાયું. વચલી આવૃતિ મારી ગેરહાજરીમાં થઇ ગઇ હતી.

પ્રૂફો વાંચતો હતો ત્યારે એવી લાગણી થતી હતી કે જાણે કોઇ નવરુધિરવંતાં સાત બાળકોનો ફરીવાર આણધાર્યો ભેટો થયો છે.

એ સાત બહેનો સાથેના મેળાપમાંથી મોટામાં મોટો આનંદ તો આ મળ્યોઃ કે સાતેય જણીઓ એમને મેં પહેલીવાર દુનિયામાં રમવા મોકલી તે દિવસના જેટલી ને જેટલી જ સ્ફૂર્તિભરી આજે પણ લાગી.

આ સાત બહેનોના જ એક વિખુટા પડી ગયેલા ભાંડરુ સમી આઠમી 'કાનજી શેઠનું કાંધું' મારી ભૂલથી 'ચિંતાના અંગારા'(ભાગ 1)માં ચડી ગઇ હતી. એને મેં એના ભાંડુ-સાથમાં લાવી મૂકેલ છે.

શરૂમાં થોડાંક ઢોરનો ધણી ગોવાળ થોડાં વર્ષે જ્યારે બહોળી પશુ સંખ્યાનો સ્વામી બને ત્યારે એ કાંઇ એકેય પશુની વ્યક્તિત્વને વીસરી જઇ ભુલાવામાં પડી જતો નથી. હું પણ આજે લાંબી અને ટૂંકી બેઉ પ્રકારની કથાઓની ઠીક ઠીક સંખ્યાનો સર્જક બન્યો હોવા છતાં મારા નવલિકા