પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વા'લો કરું."

નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવે શબ્દે ધણીને ચાનક આપતી બાઇ પોતાનાં ધાવણવિહોણાં સ્તનો ચૂસી રહેલ નાના બાળકને પાલવ ખેંચીને ઢાંકતી હતી. પણ પાલવ તાણવા જાય છે ત્યાં પાછી બીજી બાજુ પીઠ ઉઘાડી થઇ જતી હતી; છોકરો છાતીમાં માથું માર-માર કરતો હતો.

"પણ ઘરાક આવે છે જ ક્યાં ?"

"અરે, આવે શું નહિ ? તમે મોઢાંમાંથી કાંક બોલો તો તો હમણાં આવેઃ મોરલીને માથે નાગ આવે એમ આવે. આમ જોવોનેઃ આખી પીઠમાં કાછિયા કેવીકેવી બોલી કરીને લલકારી રિયા છે ! તમે તો, ભૂંડા, જીભ જ હલાવતા નથી."

"મને એવું વેણ કાઢતાં ને સમે રાગે નાખતાં આવડે નહિ."

"નો આવડે શું ?" ધીરે સૂરે બાઇ પુરુષને પઢાવવા લાગીઃ "એ આ સાકરિયા મેવા ! એ આ મધના ઘડા લઇ જાવ !અમૃતના મેવા લૂંટી જાવ !...લ્યો, બોલો એમ !"

લજામણીનો છોડ જાણેઃ એનું જડબું ફાટ્યું જ નહિ. નીચે જોઇ ગયો.

"ઓય માટીડો ! નારી ઘડતાંઘડતાં ભૂલથી નર ઘડ્યો લાગે છે ભગવાને." એમ કહતીકને બાઇ પોતાના ગળચટા સૂર કાઢવા લાગીઃ

"બે જઇના શેર !આ અમરતના કૂંપા બે પૈસાના શેર ! આ સાકર ટેટી બે જઈની શેર ! આ મીઠા મેવા બે પૈસે શેર !"

એક ખેસધારી વેપારી આવીને ઊભા રહ્યા. ઘેરે વિવાહ છે; સાંજે જાનનાં માણસોને પીરસવા ચીભડાંનું શાક કરવું છે. પૂછે છેઃ "શો ભાવ ?"

"બે પૈસે શેર, બાપા ! અમૃત રોખો માલ !"

"આનાનાં અઢી શેર તો ઓલી દુકાને આપે છે."

"ના, બાપા. અમારે પોસાય નહિ. અમે પરગામથી આવેલ છયેં ! ચાર દિ'થી ખુવારના ખાટલા છે અમારે. નદીમાં કૂંટીયા ગાળીગાળીને,