પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માટલાં સારીસારીને વાડા પાયા છે, ભાઇ ! કેડ્યના મકોડા નોખા થઇ ગયા છે !"

"ઇ ઠીક; મહેનત વગર કાંઇ થોડો રોટલો મળે છે !" રૂના સટ્ટા રમનાર વેપારીએ કોળણને ભોંઠી પાડી. "લે - એક વાત કર, એટલે હું આ આખી ફાંટ લઇ લઉં. મારે ઘેર જાન આવવાની છે."

"અરે, મારા ભાઇ ! જાનને જમાડવી છે, હજારું રૂપિયા ખરચીને વિવાહ માંડેલ છે, એમાં અમને ચાર-છ આના ખટાવતાં શું બીઓ છો ? એમાં તમને કેટલોક કસ રે'શે ?"

"લાંબી વાત નહિ. આનાનાં ત્રણ શેર તોળી દેવાં હોય તો દે. તારાં સડેલબડેલ, અડધાં ચીરેલાં તમામ લઇ જાઉં."

"ના, ભાઇ; અમારા પેટના પાટા ન છૂટે."

"ઠીક ત્યારે; બેઠાબેઠા ફાકો ધૂળ આંહીં બે દિ' સુધી."

વેપારી ભાઇ હાટડેહાટડે અને નીચે બેઠક કરીને વેચનાર એકોએકની પાસે ફરે છે. વારંવાર એની ટાંપ આ કોળી-બેલડીની ફાંટ ઉપર મંડાય છે.

કોળી-કોળણના અંતરમાં આ વાત પરથી વિચારનું જાણે કે એક વલોણું ચાલવા લાગ્યું:

"આ શેઠિયાવઃ હજારુંના રળનાર અને હજારુંના ધુંવાડા કરીને વરા ઉકેલનારા પણ શાકપાંદડાંની વાતમાં પાઇ-પૈસાની ગણતરી છોડતા જ નથી."

"કોણ જાણે આપણે કઇ મેડિયું ચણાવી નાખીએ છયેં આ કમાણીમાંથી !"

"ઇ વેપારીયુંની વિદ્યા જ અવળચંડી. બાપ દીકરાને પે'લું શાસ્તર જ ઇ પઢાવે કે આગલા પાસેથી કસીને લેવું, અને સામાને છેતરે ઇ ચડિયાતો."

એવી વાતો થાય છે ત્યાં તો એક બાઇ રૂમાલ લઇને આવી ઊભી રહીઃ હાથ-પગ અને ડોકમાં હેમના દાગીના છે; પગમાં ચંપલની જોડી