પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ઠીક ત્યારે, હું મારી કેડ્યે બાંધી લઇશ."

બકરીને હાંકતાં હાંકતાં ફરીથી બાઇએ લલકાર કર્યો કે,"એ..આ ઘીના કૂડલા લઇ જાવ !"

"કેમ કર્યાં ચીભડાં ?" એમ પૂછ્તો, જવાબની રાહ પણ જોયા વગર એક જુવાન નીચે બેસીને કહે છે કે "અધમણ જોખો."

"સુમનલાલ !" પેલા ખેસધારી વેપારી સામેની એક ખોજાની દુકાને બીડી પીતા હતા, તેણે આ સુમનલાલને હાથની ઇશારત કરીને બોલાવી લીધાં, ને કહ્યું: "ઉતાવળ કરો મા. એ છે પરગામનાં. આજ સાંજ પડશે એટલે મફત આપી દઇને પણ ભાગશે, એવાં થાકેલાં છે. તમે થોડી વાર થોભી જાવ. આનાંના ત્રણ શેર લેખે આખો 'લૉટ' આપણે ઉપાડીને પછી વહેંચી લેશું."

કોળી-કોળણે સમજી લીધું: "આપણું ઘરાક ટાળ્યું ઓલ્યે શેઠિયે."

"મને તો કાંઇનું કાંઇ થઇ જાય છે મનમાં." કોળીના ધગધગતા મગજમાંથી જાણે કલ્પનાના દસ માનવી અક્કેક ડાંગ લઇને દોડે છે, અને એ વેપારીની ઉપર તૂટી પડે છે.

સુમનલાલ શરમે શરમે થોડી વાર ઊભા થઇ રહ્યા. એના સલાહકાર ભાઇ કોળી-કોળણ સામે જોઇ હસવા લાગ્યા. પણ સુમનલાલની અધીરાઇ દેખાવા લાગી. વારંવાર એની નજર પોતાની કાંડા-ઘડિયાળના કાંટા ઉપર પડવા માંડી. ખેસધારી ભાઇએ એને પાંચ-દસ મિનિટ કઢાવી નાખવાના હેતુથી પૂછવા માંડ્યું: "કોલેજમાં પાછા ક્યારે જવાના છો ? કેટલામો નંબર રાખો છો ? હવે 'એલએલ.બી’ થવાને કેટલાં વરસ બાકી ? વિલાયત જશો ને ? કે ગાંધી મા'તમ્યામાં ભળશો ?"

"જે થાય તે ખરું." એવા ટૂંકા અવાજથી પતાવીને સુમનલાલ પાછો એ કોળી-કોળણ તરફ વળ્યા. ખેસધારી એ કહ્યું: "કાં ! ઘડીક સાટુ શીદ બગાડો છો બાજી ?"

"મારે મોડું થાય છે."

"વોય ભણેલો ! આ વિદ્યા શું લીલું કરવાની હતી ?"