પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુમનલાલે જઈને કહ્યું: "લ્યો, જોખો અધમણઃ હું મજૂર બોલાવું."

કોળી દરેક પાંચ શેરની ધારણમાં અક્કેક શેરે નમતું તોળવા લાગ્યો.

ખેસધારી ભાઇ આવીને ઊભા રહ્યાઃ "આ બધું તો એકનું એક થયું ને, માળા ગાંડા ! કે કોળો રહ્યો એટલે થઇ રહ્યું !"

"કેમ ?"

"આટલી નમતી ધારણે તો એ જ હિસાબ થઇ રહે છે. મેં આનાનાં ત્રણ શેર તો માગ્યાં'તાં !"

"અમે તો, બાપા રકઝકના કાયર, ચાર દિ'થી સૂકા રોટલા ચાવતાં હોઇએ, ઇ કાંઇ અમનેય થોડું ગમે છે ? પેટમાં પાણાની જેમ ખૂંચે છે, ભાઇ !"

કોળણ બોલતી ગઇ. કોળી જોખતો ગયો. પાંચેક ચીભડાં વધ્યાં. જુવાને કહ્યું: "જોખો એક વધુ ધારણ."

"ના;" કોળણે કહ્યું: "ઇમ ને ઇમ નાખી દ્યો. ધારણ નથી કરવી. ભલે ભાઇ લઇ જાતા. તમારાં પેટ ઠરે, બાપા !"

જુવાન સુમનલાલને આ કોળી-કોળણમાં રસ પડ્યો. વર્ડ્ઝવર્થના ઊર્મિ-ગીતોમાં કદી આવો રસ નહોતો ઊપજ્યો. એણે કૌતુકથી પૂછવા માંડ્યું: "ક્યાંના છો ? ક્યાં વાડા કરો છો ? કેટલા મહિનાની મહેનત ? શી શી મુસીબતો ? કેટલું રળો ? ક્યારે પરણ્યાં છો ? કેટલી ઉમ્મર છે બેઉની ? આ બાળકને કેમ ધવરાવ્યા જ કરો છો ? ટાઢા રોટલા કેમ ખાઓ છો ? આંહીં કોઇ ન્યાતીલાઓનાં ખોરડાં નથી ?

દરેકના જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો જેટલી જ નિખાલસ સલૂકાઇ દીઠી. વચ્ચેવચ્ચે વર-વહુના મતભેદનું મીઠું, મર્માળું ટીખળ પણ માણ્યું.

પણ આ વર-વહુએ એ વાતો દરમિયાન પોતાનો સંકેલો ચાલુ જ રાખ્યો હતો. પછેડી ખંખેરીને એ બન્ને પોતાની ભાડે રાખેલી વખારમાં ગયાં.

સૂરજ દોદાદોડ ચાલ્યો છેઃ ક્યાં જાય છે - આટલો અધીરો બની