પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ક્યાં જાય છે ! પોતાને સાસરે કે પિતૃઘેરે - તે તો એ જાણે ! પણ એની સાથે આ કોળી-કોળણ પણ રવાદ કરી રહ્યાં છે. છોકરાંને કેડે ઝાલીને કોળણ ધણીને એક હાથે બધી લે-મેલ્યમાં સાથ દઇ રહી છે."આ અલીભાઇની અઢી-શેરી દઇ આવોઃ આ છરી લઇ લ્યોઃ આ દીવામાંથી ઘાસલેટ ઢોળીને લઇ લ્યોઃ આ લ્યો- આ કાગળમાં વીંટી લ્યોઃ આ તાળું વખારના માલેકને આપી આવોઃ લ્યો, આપણાં લુગડાંલત્તાંની ને તોલાં-ત્રાજવાંની ફાંટ બંધાવું: સૂંડલો મારે માથે મેલોઃ અરે ભાન-ભૂલ્યા, ઇંઢોણી તો પે'લી મૂકો !"

દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો.

સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે; ને બાઇને કહે છેઃ

"તમારું કહ્યું બરાબર ઉઠાવે છે, હો !"

"ઉઠાવે નહિ, ભાઇ ? ઊનાઊના રોટલા જમવા છે આજ મારી માના હાથનાઃ ખરુંને, એલા ?"

કોળીના વ્યસનહીન રાતા હોઠ મરકતા હતા.

"પાછા આ વખતે તો અમારે સરમાણિયાને મેળે જાવું છે, કાં ને, એલા ?"

કોળી જુવાનની આંખોમાં આ બધી વાતોની 'સેંક્શન' થકી આનંદના દીવા રમવા લાગ્યા.

પેલા ખેસધારી ભાઇ પાંચમી બીડીનું ખોખું ચૂસતાંચૂસતાં ક્યાંઇક આંટો દઇને પાછા આવ્યાઃ "કાં સુમનલાલ ! શાક ક્યાં ?"

"ક્યારનું ઘેર પહોંચડાવી દીધું. મજૂર ભેળું"

"ઠીક; મજૂરને પણ ઘરનું બે ટંકનું શાક નીકળશે ! ને તમે તો બહુ રોકાણા ! કાંડા-ઘડિયાળના કાંટા ખોટકી ગયા કે શું ?"

એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી.

સુમનલાલે કહ્યું, "હું તો જોઇ રહ્યો છું, કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે !"

"કૉલેજમાં આવું નહિ શિખવાતું હોય, ખરું ? વાણિયાના દિકરાઓની નિશાળમાં શાકપીઠમાં ખોલવા જેવું છેઃ કેમ,નહિ ?"