પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

-સર્જનની પ્રારંભ વેળાની આ 'બકરીઓ'ને, પ્રત્યેકને, વ્યક્તિવાર પિછાની શકું છું. એવી ઓળખાણને શક્ય બનાવવા પૂરતું તાજાપણું તેમનામાં જ હોવું જોઇએ ને! એકલી એ ગોવાળની ઓળખ-શક્તિ શા કામની?

ઓચિંતાનો આ કુટુંબ-મેળાપ કરાવનાર પ્રસંગ તો એ બન્યો કે છેક મધ્યપ્રાંત અને વરાડમાં હાઇસ્કૂલ બોર્ડની સરકારી મીજી તરપથી થોડા દિવસ પર એક કાગળ મળ્યો લખ્યું હતું કે 'આપણા ઉંબરમાં' નામની તમારી ચોપડી આંહીં અમારે ત્યાં હાઇસ્કૂલોની પરીક્ષામાં પાઠ્યપુસ્તક તરીકે મૂકેલ છે. પણ એ કોઇ ઠેકાણે મળતી કેમ નથી?

ગુજરાતની બહાર છેક મધ્યપ્રાંત વરાડમાં મારી નાનકડી પુસ્તિકાને પાઠ્યપુસ્તકનું સ્થાન! આશ્ચર્ય થયું. છેક એટલે દૂર કોણે આ વાર્તાઓને વિદ્યાર્થીયોગ્ય તરીકે ઓળખી અને ઓળખાવી હશે? કોનો આભાર માનું? હજુય ખબર નથી.

બીજો ચિંતાભર્યો વિચાર તૂર્ત હાજર થયો, કે ભાઇ, પાઠ્યપુસ્તક થનારું ચોપડું જો એને ફરજિયાત ભણતર લેખે ભણનાર વિદ્યાર્થીઓને કંટાળો આપનાર બન્યું ને, તો તેઓ તારી સાત પેઢીને મનમાં મનમાં શાપ આપશે ! ને તારા વાર્તાલેખક તરીકેના નામ પર જ ચોકડી મૂકશે. ઉપરાંત તેમાંનો એકાદ મોટપણે જો વિવેચક બન્યો, તો તો તારા સાહિત્યનાં ભીંગડાં જ ઉખેડી નાખશે. પાઠ્યપુસ્તકોમાં તારાં પુસ્તકનું મુકાવું, એટલે ૯૯ ટકા તો વિદ્યાર્થીઓનાં કટક સાથેનું ગુપ્ત વૈર બંધાવું એમ જ સમજી લેવું, બચ્ચા લેખક !

પણ પાઠ્યપુસ્તકમાં પ્રવેશ કરવાની દુષ્ટબુધ્ધિ કેટલી જોરાવર હોય છે ! મરાઠી મધ્યપ્રાંતના સો-બસો ગુજરાતી છોકરાઓમાં મશહૂર બનવાની તાલાવેલીએ મારે માટે "ભાઇસાહેબ, પાઠ્યપુસ્તકના શાપમાંથી મને બચાવો !" એટલું લખી મોકલવાની હિંમત ન રહેવા દીધી. મેં તો ઉલટું એ તાબડતોબ છપાવી બહાર પાડી દીધી છે.

આ ચોપડી મૂળ તો ચાર આનાની, પણ એમાં એક વાર્તા વધારી, અને કાગળો સારા વાપર્યા એટલે છ આના મૂકવા પડેલ છે. આભાર માનજો મારો કે રૂ. એકની કિંમત ફટકારી દઇને વિદ્યાર્થીઓ પાસેથી થોડું રળી