પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હા, સટ્ટાબજારમાં તો નહિ જ.."

"બરાબર છેઃ ત્યાં બાઇઓ ન મળે ખરીને !"

"એટલે જ આપણે પાંગળા છીએ ને ? બાઇઓ રસોડે આપણા મહેમાનો સારુ ઊની ઊની રોટલી જ ઉતાર્યા કરે છે !"

દરમિયાન કોળી-કોળણ પરવારી રહ્યાં. વહુએ માથાં પર ગાંસડીવાળો સૂંડો ચડાવી લીધો. ઘણીએ છોકરાને ખભે ચડાવ્યો. છોકરો બાપને માથે માથું ઢાળીને ત્યાં ને ત્યાં જ ઊંઘી ગયો.

"લ્યો, બાપા, રામરામ ! તમારા પરતાપે વે'લાં વે'લાં અમે ઊના રોટલા ભેગાં થઇ જાશું."

"પ્રતાપ તમારી મહેનતનો ,બહેન !"

ઉજળીયાત જુવાનના, મોંમાંથી 'બહેન' શબ્દ સાંભળતાં કોળણને એક નવી દુનિયાનાં દ્વાર ઊઘડી પડ્યાં લાગ્યાં.

"હું રાજપર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ."

"જરૂર જરૂર આવજો, ભાઇ; આ ગગાના સમ છે તમને."

કેસૂડાંની વનરાઇ સંકેલીને જ્યારે સંધ્યા ચંપા-ધારની પાછળ ઊતરી ગઇ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દૂધિયા રંગની ઓઢણીઓ દેતો હતો, ત્યારે ત્રણ ઠેકાણે ત્રણ તરેહની વાતો ચાલી રહી હતીઃ

પેલા ખેસધારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનનાં માણસોને સુમનલાલનો દાખલો આપી કૉલેજમાં ભણનારાંની વ્યવહારકુશળતાની મશ્કરી માંડતા હતાઃ 'વાણિયા વિના રાવણનું રાજ ગયું તે આ રીતે, બાપા !' એ જૂની કહેવતને એમણે લાખ રૂપિયાની કહી જણાવી.

ઘેરે પોતાની બહેનનાં લગ્ન હતાં, તેની ધમાલમાંથી છાનીમાની પોતાની જુવાન પત્ની સવિતાને મેડી ઉપર બોલાવીને સુમન અમરાપરનો કેડો બતાવતો હતોઃ "સવિતા ! એ કેડે બે વર-વહુ ચાલ્યાં જાય છે. એનું તે સાચું સહજીવન. મરતાંમરતાં પણ એ જીવતરનાં તોફાનો સાથે રહી વીંઝે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં, અને