પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાતના પાંચ-છ કલાકમાં. હું વકીલ થઇશઃ ને તું કુટુંબમાં રોવા-કૂટવાનું કરીશ. મારું ભઠિયારખાનું કરીશઃ મારો ક્લાર્ક પણ નહિ બની શકે. ઘૃણા છૂટે છે આ सहनाववतु सह नौ भुनक्तु सहवीत्यं करवावहैના એકવીસ ક્રોડ વાર જૂઠા બોલાએલા એ મંત્ર પર, એ મંત્રનાં આચરનારાં તો ઓ જાય અમરાપરના કેડા ઉપર.."


"માતાના સમ !" અમરાપરને કેડે પુરુષ ખભે છોકરું સુવાડીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતોઃ "આજ તો મને ખાઇ ગઇ'તી. પાંચ વરસથી વાડા વાવતાં આજે ગળોગળ આવી ગયો'તો. એમાં ઓલ્યા સપાઇએ, ઉપર ચીર્ય માગનારી બાઇએ એ શેઠિયાએ તો મારી ખોપરી ફાટફાટ કરી મેલી."

"અરે ભૂંડા, ખોપરીને તો ટાઢી રાખીએ."

"ના, નાઃ આમ લોહીનાં પાણી કર્યેય જો રોટલો ન પમાતો હોય, તો પછી.. મેરકાની ટોળીમાં ભળવું શું ખોટું ?"

"રોયા, ચોરી.." બાઇએ વરને ચીટીયો ભર્યો.

"માતાના સમઃ કદીક છે ને બે મહિનાની જેલ મળે, એટલું જ ને !"

"બસ, તારે મન એ કાંઇ નહિ ?" બાઇએ પ્રેમના તુંકારા માંડ્યા.

"ના, રોટલા તો ત્યાંયે મળે છેઃ ઊલટાનાં બે ટાણાં બબ્બે રોટલા, દાળ અને શાક પેટ-પૂરતાં આપે છે."

"પણ ત્યાં તુને બે વાનાં નહિ મળે; તારાં આંસુડાં નહિ સુકાય."

"શું નહિ મળે ?"

"એક આ તારી ઝમકુ, ને બીજો આ દિકરો ઝીણિયો."

"એટલેથી કરીને જ આ વાડા પાઇને પ્રાણ નિચોવું છું ને ! બાકી, આ દુનિયા - આ શેઠ શાહુકાર ને આ સપારડા તો હવે મને ચોર જ બનાવી રહેલ છે."

"કેમ આમ હારી જાછ ?" ઝમકુએ ચાંદાના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી ભાળી. એના સાદમાં પણ ખરેડી પડી હતી. એણે ધણીને