પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શરીરે હાથ વીંટીને હૈયા સાથે ચાંપ્યોઃ "હે બહાદુર ! મરદ થઇને આવા માઠા વચાર ! ઠાકર-"

"ઠાકરની વાત હવે નથી ગમતી. 'કીડીને કણ અને હાથીને હારો' દેનારો મરી ગયો લાગે છે."

"ગાંડા ! સંધ્યાટાણે ઠાકરનું હીણું ન બોલીએ, તારે ખંભે તો જોઃ ઝીણિયો જંપીને સૂતેલો છે."

"પણ ત્યારે તું ને હું બેય તૂટી મૂવાં, તોય તાજો રોટલો કેમ ન મળે ? આ મલક બધો બંગલા મેડિયુંમાં મા'લે છે, ગંઠાહાર ને હીરા પે'રે છે; તારા-મારા જેવા દસ નભે એટલી તો એની એઠ્ય રોજ ગટરુંમાં પડે છે; ફોનુંગ્રામ અને ધૂડપાપ વગર એના દા'ડા ખૂટતા નથીઃ ત્યારે આપણને તો પૂરી ઊંઘેય નહિ ! આ તે શું ?"

"તને વિચારવાયુ ઉપડ્યો."

"મારું મન મુંઝાય છે. મેરકાની ટોળી મહિને પંદરદા'ડે કેટલું પાડે છે - જાણછ ?"

"તું ઝમકુનો દા'ડો ખા - જો હવે વધુ બોલ્ય તો. જો અમરાપરનો સીમાડો આવી ગયો." ઝમકુએ વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા.

સમાજનો સેવક આ કોળી, એ આઠમની રાતને પહોરે, સમાજની શત્રુતાના ઊઘડું ઊઘડું થતા દ્વાર પર છેક ઉંબર સુધી પહોંચી ગયો હતો. ઝમકુનાં જનેતા સમાં ફોસલામણાંએ એને ત્યાંથી પાછો વાળી લીધો.

શિયાળવાંની લાળી સંભળાતી હતી. ચાંદનીમાં પણ એકાન્ત અકારી હતી. પોતાના પગ-ધબકાર પણ કોઇક પાછળ પડ્યું હોય તેવી ભ્રાંતિ કરાવતા હતા. એ બીક ઉરાડવા માટે બાઇ બોલીઃ "કોઇ કાઠીબાઠી ન નીકળ્યો. દેન કોની છે આવવાની ! માતાજીને નાળિયેર માન્યું છે મેં તો."

ત્યાં તો ગામ-પાદરનાં કૂતરાં બોલ્યાં.