પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પડી ગઈ. વળી પાછાં પરબતની માએ, શું થઈ રહેલ છે તે દીઠા વિના, આંધળી આંખો અંતરિક્ષમાં મટમટાવતાં અને ટચલી આંગળીનાં બીજા આંકા પર અંગૂઠો માંડીને કહ્યું: "બીજું કાંધું આપણે ભર્યું શેરડીનો વાઢ કર્યો'તો ત્યારે. જો ને: કાનજી શેઠ વાડે ચાર દિ' રોકાણા, ને સંધોય ગળ જોખીને કાંધા પેટે ઉપાડી ગયા. જો ને: આપણે ઘરનાં છોકરા સાટુય મણ ગળ નો'તો રાખ્યો; મેં રાખવાનું કહ્યું ત્યાં કાનો શેઠ કોચવાણા'તા: સાંભરે છે ને ?"

આ દરમ્યાન પરબતે પરોણાના પ્રહારથી ટાઢાબોળ થઈ ગયેલા ખૂંટિયાને ધોંસરામાં ઝકડી લીધો હતો, અને એના કાંધા ઉપરના લદબદ થતા ઘારામાં ધોંસરું રાતુંચોળ રંગાઈ ગયું હતું. માથે બાંધેલા ફાળિયાનો કટકો દુઃખતા પેડુ ઉપર કસકસાવીને ટપકતે પરસેવે પરબતે ગાડું ડેલા બહાર લીધું. હજુ જ્યાં સુધી પેડુમાં પીડા છે ત્યાં સુધી એ પશુ ઉપરથી એની દાઝ ઊતરી નથી; એટલે પૂંછડાના કટકા થઈ જાય એટલા જોરથી એણે ખૂંટિયાનું પૂછ ઉમેળ્યું. ડોશીએ પોતાનું વાળ વગરનું માથું ખજવાળતાં ખજવાળતાં પોતાની પારાયણ ચલાવી:

"પબા, તું જાછ, માડી ? થોડી વાર ઊભો તો રે'. "એ વખતે ડોશીનો અંગૂઠો ટચલી આંગળીના ત્રીજા આંકા ઉપર હતો. "અને ત્રીજું કાંધુ આપણે ઓલ્યા નાગડા બાવાઓની જમાત આવેલ તયેં ભર્યું. જો નેઃ બાવાઓને માલપૂડાની રસોઈ જમાડવી'તી... લાગો ભરવો'તો... ઉઘરાણું થયું. એમાં ભરવા આપણી પાસે કાંઈ નો'તું... તુંને બાવાઓએ મારીમારીને આખો દિ' તડકે બેસાડી રાખ્યો'તો. તે પછી, જો ને, આપણે આપણી ઓતીને ઓલ્યા અરજણ પબાણી વેરે નાતરે દઈ રૂપિયા બસો જોગવ્યા. એમાંથી કાના શેઠનેય કાંધું ભર્યું. મને બરોબર સાંભરે છે: ઓતડી તે દિ' રોતી'તી નહિ ? એને નાતરે નો'તું જાવું: સાંભરે છે ? એટલે પછી આપણે એને મારીને ગાડે નાખી'તી."

પરબત પટેલ રાશ તાણીને ગાડું રોકી સાંભળી રહ્યા. એણે કહ્યું: "માડી ! મારું હૈયું તો ફૂટી ગયું છે: મને કાંઈ નો સાંભરે. હું તો એટલું