પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ પાપિયાઓ ઉપર કડક દેખરેખ રખાવ્યા વિના છૂટકો જ નથી."

એમ બબડતા કાનજી શેઠ પરબતની ડેલીમાં પ્રવેશ્યા. ઘરમાં ક્યાં ક્યાં કોઠીઓ છે, વહુના હાથમાં કે ગળામાં શો શો દાગીનો છે એ બધું ટીકીટીકીને જોઈ લીધું. પછી વાત ચલાવી: "કાં, પૂતળી ડોશી ! ચોથા કાંધાનું હવે શું કરવું છે ?"

"માડી, કાનાભાઈ ! મને તો એમ ઓસાણ છે કે ચારેય કાંધા ભરાઈ ગયાં છે."

"માડી તમારું ઓસાણ સાચું ? કે વેપારીનો ચોપડો સાચો ?"

"સાચો તો વેપારીનો ચોપડો, માડી !" ડોશી ડરતાં ડરતાં બોલ્યાં: "ને મારું તો હવે હૈયુંય ફૂટી ગયું છે, ભાઈ ! પણ મને વે'મ છે. જુઓ ને, કાનાભાઈ: એક કાંધુ જાણે કે શીતળાના રોગચાળામાં..." એમ કરીને ડોશીએ આંગળીના વેઢા ગણતાં ચારેય કાંધાની કથા માંડી.

"હેં-હેં-હેં-હેં... !" કાનજી શેઠ હસી પડ્યા: "માડી ! સાઠ્ય પૂરાં થયાંને તમને ?"

"હા, માડી !" એ વેણમાં રહેલો કટાક્ષ ન સમજેલી ગભરુ ડોશીએ કહ્યું: "સાઠને માથે સાત થયાં. આંખે અંધાપો આવી ગયો, બાપ ! પબાનો બાપ જેલમાં જ પાછા થયા ખરા ને, એટલે રોઈ રોઈને મારી આંખ્યું ગઈ, કાનાભાઈ ! પબાના બાપ માથે તર્કટ -"

ડોશીએ પોતાની પરાયણ આદરશે એ બીકે કાનજી શેઠે ચોપડો ઉઘાડીને ત્રણ ભરાયેલાં કાંધા વાંચી બતાવ્યાં.

પરબતના બાપની વાત સાંભારતાં આંસુ પાડવાથી પોતાના મોઢાની ઊંડી કરચલીઓ ભરાઈ ગઈ હતી, તે સાડલાને છેડે લૂછી નાખીને પબાની મા હરખથી ઊછળ્યાં: "ને, માડી, એની ફારગતી પણ તમારી સહીવાળી તમે લખી દીધી'તી. હંઅં ! મને સાંભર્યું, સાંભર્યું. વાહ !મારો વાલોજી મારે હૈયે આવ્યા, આવ્યા ! વાહ ગરુડગામી ! વાહ દીનદયાળ !"

"કાં કાં ! શું થયું ડોશી ?"

"તમારી ફારગતી મેં સાચવી રાખી છે."