પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લેવાની લાલચ મેં રોકી લીધી. ઉપરાંત, મૂળ વિચાર 'ચિંતાના અંગારા'ના બે ભાગને તથા આ ચોપડીને ભેગાં કરી અઢીસો-ત્રણસો પાનાંનું પુસ્તક કરવાનો છે, છતાં આની થોડીક જૂદી પ્રતો, વિદ્યાર્થીઓ માટે કઢાવી લીધી તે પણ પૈસા રળવાની દ્રષ્ટિએ મેં ખોટું કર્યું એનો હવે મને પસ્તાવો થાય છે.

આવી વાતો ચોડેધાડે કહી દેવી એ દુનિયાદારીમાં એક મોટી બેવકૂફી છે એવો વિચાર પણ છેલ્લે છેલ્લે આવે છે. ને બેવકૂફીના કળશરૂપે એ છેલ્લા વિચારને પણ આંહીં ટાંકું છું, કે જેથી કદાચ કોઇક બીજા લઘુવાર્તાકારને આ પરથી એકાદ નવલિકાનો વિષય મળી રહે. ને ખરે જ શું પાઠ્યપુસ્તકમાંથી કમાણી કરવાની કરામતો એકાદ લઘુવાર્તાનો વિષય નથી ?


રાણપુરઃ 20-11-’38
ઝવેરચંદ મેઘાણી
 


['મેઘાણીની નવલિકાઓ', ખંડ 2]

ઇતિહાસ -દ્રષ્ટિએ આ બીજો ખંડ પહેલો ગણાય. મારું સ્વતંત્ર વાર્તા-લેખન ૧૯૩૧માં, આ ખંડની વાર્તા 'કિશોરની વહુ'થી, આરંભાયું. તે વખતનાં સાપ્તાહિક 'સૌરાષ્ટ્ર'માં બબે હપ્તે આમાંની કેટલીક કથાઓ પ્રકટ થએલી, અને કેટલીએક બીજી ૧૯૩૨-૩૩માં, 'ફૂલછાબ' નાનકડા સાહિત્યપ્રધાન સામયિકરૂપે નીકળતું તેમાં,અને તે પછી 'ચિતાના અંગારા' (2 ખંડ) અને 'આપણા ઉંબરમાં' નામના લઘુસંગ્રહોમાં બહાર પડેલી.એ બધાં લિકપ્રિય નીવડેલાં.

'દરિયાપરી'ની છેલ્લી મૂકેલી લાંબી નવલિકા સ્વતંત્ર નથી, પણ ઇબ્સનકૃત નાટક 'લેડી ફ્રૉમ ધ સી' પરથી આલેખાઇ છે. 'ઘૂઘા ગોર' અને 'ગરાસ માટે’ત્રણેક વર્ષ પૂર્વે લખીને વર્તમાન 'ફૂલછાબ' સાપ્તાહિકમાં આપી હતી. 'ગરાસ માટે' એ સાચી ઘટના છે.

નવલિકા-લેખનના પ્રદેશમાં મારું ભણતર કેવા ક્રમે થયું તેનો ટૂંકો ઇતિહાસ અસ્થાને નહિ ગણાય.1922માં 'સૌરાષ્ટ્ર' સાપ્તાહિક સાથે મુખ્યત્વે તો સાહિત્ય-પ્રકાશનો કરવા માટે મારું જોડાણ થયું. તે વખતે હું 'ડોશીમાની વાતો'ની હસ્તપ્રત સાથે લઇને જ ગયેલો.