પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતો, તેણે તે જ દિવસે રાત્રે પુત્રીનાં સાસુની રજા માગીઃ હાથ જોડ્યા. મોતીશા શેઠે એક વિચિત્ર નિયમ રાખેલો કે, કન્યા હંમેશાં પોતાના બરોબરિયાની નહિ પણ ગરીબની જ લેવી.

"બસ, જાવ છો ? બે દિ' રોકાણા હોત તો દુઃખમાં ભાગ લેવાત..." ચંદનનાં સાસુએ વિવેક કરતાં માથા પરનો ઘૂમટો પેટ સુધી તાણી લીધો. આજે એમણે પણ વહુની નનામી પાછળ પાદર સુધી દોડી દોડી દસ પછાડીઓ ખાધી હતી; શરીરની ખેવના નહોતી કરી.

"મારે રજા પૂરી થઇ ગઇ છે, એટલે નહિ રોકાઇ શકું. વળી ઘેર ઊઠ્યું માણસ નથીઃ છોકરો મા વગરનો છેઃ પરવશ મૂકીને આવ્યો છું."

"ભલે ત્યારે." થોડી વારે સાસુએ આંખો લૂછી, નાકે આવેલ પાણીને છંટકોરી નાખી ઉદગાર કાઢ્યો કે,"અરેરે બાઇ ! ભર્યા ઘરમાંથી ગઇ. ભાગ્યમાં નહિ જ ત્યારે ને ! નીકર આ રૂપાળી ઘોડાગાડી, આ મોટર...ને હમણાં હમણાં તો રોજ સવાર-સાંજ ઘોડાગાડીમાં બેસાડીને ચંદનને ફેરવી આવતા. પણ આયખું નહિ ના. એતલે દરદ ઘેરી વળ્યું: કોઇ કારી જ ન ફાવી."

"વેવાણ !" ચંદનના બાપે બીતાં બીતાં કહ્યું:" મને વેળાસર એક ચિઠ્ઠીચપતરી બીડી હોત ને... ! હું તો ધારતો હતો કે, ચંદન સાજીસારી છે. મારે ઘેરે તો કોઇ દિ' નખમાંય કોઇ રોગ નહોતો. આંહીં એકાએક -"

"ના,ભા !" સાસુએ સહેજ કચવાટ બતાવીને કહ્યું: "આંહી એને નથી અમે દળણાંપાણી કરાવ્યાં, કે નથી વૈતરું કરાવ્યું. રોગ તો મૂળ તમારા ઘરનો છેઃ પછી તે ચાય તમારો હો, ચાય તો એની માનો હોય. ત્યારથી થોડી ઘગશ ને ઉધરસનું ઠૂસકું તો રે'તાં.."

મહેમાન ઉંબર ઉપર જ સજ્જડ થઇ ગયો. નાક છીંકવાને બહાને પીઠ ફેરવીને એણે આંખોનાં ઝળઝળિયાં લૂછ્યાં. વેવાણે વાત આગળ ચલાવીઃ

'બાકી તો, એને કંઇ કહ્યું થાતું ? 'તમે આણામાં પૂરાં લૂગડાં ન લાવ્યાં: તમારા બાપે જાનની પૂરી સંભાળ નો'તી લીધીઃ તમારી આંખે ઝાંખ