પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

[3]

એક જરૂરી બિના કહેવી રહી ગઇ છેઃ આભડીને આવ્યા પછી પહેલી જ વિધિ કિશોરને માથે લાલ પાધડી બંધાવવાની, કપાળે ચાંદલો કરવાની અને જરીક ગોળ ચખાડવાની હતી. જમાડવી જોઇએ તો લાપસી; પરંતુ કિશોરનાં બા અને બાપા, બંને જણાં, 'વહાલી વહુની ચિતા હજુ સળગી રહી છે ત્યાં કંસારનું આંધણ ન મુકાય' એવું વિચારીને ગોળથી જ અટક્યાં હતાં.

આ વિધિઓમાંથી નિવૃત થઇ કિશોર રોજનાં કામકાજ પર ચડી ગયો હતો. દરેક માણસ સારા અથવા માઠા- ચાહે તેવા આખરી પરિણામને માટે જ ઉત્સુક હોય છે. કિશોરના મન પરથી પણ ચંદનની માંદગીની લટકતી પથારી ખસી ગઇ હતી. છેલ્લા આઠ-દસ દિવસથી તો વહુનાં ક્ષયનાં જંતુઓ રખેને દિકરાને ચોટે એ બીકે કિશોરની બાએ એને ચંદનની પથારી પાસે પણ આવવા નહોતો દીધો; એટલે કિશોરને ખાસ વિયોગ-દુઃખ જન્મે તેવું રહ્યું નહોતું. મેડી ઉપર વારે-વારે સહુને ચડઊતર કરવી ન પડે તે માટે ચંદનની પથારી તો છેલ્લા એક મહિનાથી કિશોર-ચંદનના શયનખંડમાંથી ખસેડીને ભોંયતળિયે જ લાવવામાં આવી હતી. એમ કરવાનાં બીજાં પણ કેટલાંક કારણો હતાં: મોતીશા અને શેઠાણીને કાને એક ચોંકાવનારી વાત તો એ આવી હતી કે છેલ્લા ચાર મહિનાથી રાતમાં ચંદનનાં ઝાડો-પેશાબનાં 'પૉટ' કિશોર પોતે જ ઉપાડીને છાનોમાનો, કોઇને સંચળ ન સાંભળે તે રીતે લપાઇને, સંડાસમાં નાખી આવતો. એનું ખરું કારણ એ હતું કે ચંદન હવે સંડાસ સુધી જઇ શકતી ન હતી. માબાપને તો એમ જ લાગેલું કે વહુ, એ રીતે, દીકરા ઉપર અમલ ચલાવવામાં હદ વટાવી ગયાં હતાં. વસ્તુતઃ તો ચંદન ચાર વિસામા ખાઇને પણ સંડાસમાં જ પહોંચતી, અને કિશોરે આ ભંગી-કામ કરવાની જિદ્દ કરી ત્યારથી ચંદનને ઝાડો-પેશાબ દબાવી રાખવાની ટેવ પડેલી.

આજે પેલો ગોળ ખાધાને ચોથો દિવસ છે. કિશોરનું મન મોકળું