પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થયું છે. ચંદનનું રોગી જીવન સાંભરે છે; પણ તેથી એને વ્યથા નથી - રાહતની લાગણી છે. 'બિચારી રિબાતી હતી તે છૂટી' એવો અનુકંપાનો ભાવ પણ ઊઠે છે. વળી પોતાને એકલાપણું લાગશે, વિરહ સાંભરશે તે પહેલાં તો નવા લગ્નની દુનિયાનો કાંઠો શરૂ થઇ જશે એમ પણ એણે માનેલું. પણ હકીકત એથી ઊલટી બની. મોતીશા શેઠ જો ડાહ્યા હોત તો એણે કિશોરને બહારગામ હિસાબકિતાબમાં ને ઉઘરાણીમાં મોકલી દેવો જોઇતો હતો; અથવા, કંઇ નહિ તો, એને અમદાવાદની પેઢી પર જ મોકલવો હતો. ત્યાંનો મુનિમ વ્યવહાર-કુશળ હતો; કિશોરને નાટક-સિનેમામાં લઇ જાત. પણ ભૂલ એ થઇ કે કિશોરને જીન-પ્રેસના કારખાના પર જ રાખ્યો. કારખાનું ગમે તેમ તોયે જીવતાં જીવોનું જગત છે. ત્યાં બેસનાર માલિક અને ધન-પ્રાપ્તિની વચ્ચે સેંકડો હૈયાંના ઘબકારા સંચાઓના થડકાર જેટલા જ જોરદાર ચાલી રહ્યા હોય છે.

કારખાનાંના સંચા ચલાવનરાં મજૂરોમાં સ્ત્રીઓ મોટી સંખ્યામાં હતી; કેમ કે એને ઓછી રોજી આપવા છતાં કામ દોઢું ઊતરતું. બહાર ઝાડની ડાળે બાળકોનાં ખોયાં લટકાવીને માતાઓ સંચા ચલાવતી; બચ્ચાં રુવે ત્યારે ઢીબરડીને પછી ધાવણ પાતી. સાસુ-વહુઓ ઊઘાડેછોગ લડી-બોલીને પાછી કંઇ ન બન્યું હોય તેવી રીતે કામે લાગતી. સંચો ચલાવતાં બાયડીની આંગળી વઢાય તો દોડીને એનો ધણી સો મજૂરોની વચ્ચે પણ એને ઘાસલેટમાં બોળેલ પાટો બાંધી દેતો, ને પગે ઘવાયેલી સ્ત્રીને નાના બાળકની માફક કેડ્યે બેસારીને ઘેર લઇ જતો.

આવું પડદા વગરનું મજૂર-જીવન જોયું એ કિશોરને માટે વાઘના બચ્ચાએ લોહીનું ટીપું ચાખ્યા જેવું બન્યું. એનામાં મૂળથી જ મોતીશાના મજબૂત સંસ્કારો ઊઘડ્યા નહોતા. વયમાં એ જૂવાન હતો. કોઇ કોઇ વાર મનને નબળું બનાવી મૂકનાર દંપતિ-સાહિત્યની વાર્તાઓ વાંચવાની તક પણ એને મળી જતી. તેમાં સ્ત્રી ગુજરી ગઇ, ને આંહીં આ મજૂરોને દુઃખમાં ખદબદતાં છતાં કુળ-પ્રતિષ્ઠા જવાના ભય વિના મોકળામણમાં જીવતાં દીઠાં.