પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જૂની સ્મૃતિ જાગવામાં કોણ જાણે કુદરતના કયા નિયમો કામ કરતા હશે, તે તો અમે જાણતા નથી; પણ વિચિત્ર તો બહુ જ લાગે છે કે એક જૂવાન મજૂરણ ગેલતી ખેલતી સાંજે કિશોરની મોટર કનેથી પસાર થઇ. અને એ સાંજના ભળભાંખરામાં કિશોરે એના મોં પર દૈવ જાણે શીયે પરિચિત રેખા જોઇ લીધી. દૂરદૂરથી હવામાં ગળાતું એ ટીખળી મજૂરણનું ગીત કાને પડ્યું:

બાળી ઝાળીને જીવડો ઘેરે આવ્યો રે લોલ;
હવે માડી, મંદિરિયે મોકળાણ જોઃ
ભવનો ઓશિયાળો હવે હું રિયો રે લોલ.

કિશોર ઘેર ગયો. દીવો બળતો હતો, તે બુઝાવી નાખ્યો.ઓરડાની એક ખીંટી પર ચંદનની ઘણા વખત પહેલાંની ઊતરી ગયેલી સાડીમાંથી ફાડેલો જોડા લૂછવાનો એક કટકો પવનમાં ઝૂલતો હતો, તે અમસ્થો અમસ્થો પણ આજે એને ચંદનનાં છેદાયેલાં અંગ જેવો લાગ્યો. તેથી જ બીને બત્તી બૂઝાવી હશે કે કેમ, તે તો એ જાણે; પણ પછી એ બારીમાં મોં રાખીને બેસી રહ્યો. માંદગીની પથારી પહેલાંનો કાળ અંતરની આંખો સામે ઊઘડવો શરૂ થયોઃ કોઇક જાણે એને એક ઝાંખો દીવો લઇને જીવન-ગુફામાં ઊંડે ઊંડે ઊંડે દોરી જતું હતું. ગુફાના તળિયામાંથી કોઇનું ડૂસકાંભર્યું વચન સંભળાતું હતું કે, 'ત્યારે તમે મને શા માટે પરણ્યા ! શા માટે પરણ્યા !'

પ્રત્યેક દિવસે, એક પછી એક રાતે, પ્રત્યેક રાતને કયે કલાકે શું શું બન્યું તે બધું જ મશાલને અજવાળે ભોંયરામાં દેખાય તેવું બિહામણું દેખાયું. એક વાર તો એને પરસેવો વળી ગયો. એણે જોયું કે... ચંદન હિસ્ટીરિયામાં પડી છેઃ સામે ઊભી ઉભી મા કહી રહી છે કે, 'અરધોઅરધ ઢોંગ, બાપ !' ને પોતે એક ટાંચણી લઇને ચંદનના પગનાં તળિયે ઘોંચી એ હિસ્ટીરિયાનું સાચઝૂઠ પારખી રહ્યો છે...

'ઓય !" કહી કિશોર ચમકી ગયો. તે વખતે અંધારે અગાસી પર