પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તનુમતી મોં ઉપર ઉષા અને સંધ્યાના રંગો રેલાયા. એનાં ગાલ-કપાળ અને નાક-હોઠની રેખાઓએ કેટલા કેટલા આકારો રચ્યા. પોતે પોતાના પતિને મન પામર હતી, તો બીજી બાજુ એક કલાકારને કલ્પનાઓ સ્ફુરાવે એવી એક મુખમુદ્રા પોતાને મળી હતી તે એના જીવનનું પરમ આશ્વાસન હતું.

કુમારભાઈ હજુ બેઠા હતા ત્યાં જ ચંદ્રશેખર અને જનાર્દન પણ આવી લાગ્યા.

કુમારે અને ચંદ્રશેખરે 'જય-જય' કર્યા; પણ એ જય-બોલમાંથી સામસામી તલવારોનો અફળાટ -ધ્વનિ સંભળાયો.

ચંદ્રશેખર સંગીતપ્રેમી જુવાન હતો. આવીને તરત જ એણે કહ્યું: "તનુબહેન, કેમ ગળું ખરડાય છે આજે? પાછાં રડ્યાં છો કે?"

"ના રે ના..." બોલતાં બોલતાં તનુમતીએ આંસુઓની બીજી ઝાલક છાંટી.

"આમ કંઠને વેડફી નાખશો તો હું મારું સ્વપ્ન શી રીતે પૂરું કરી શકીશ, તનુબહેન? તમને કઈ કદર જ નથી માણસનાં મનોરથની!"

"પણ હું તે હવે શું કરું, ભાઈ?" તનુમતીએ મીઠી અકળામણ બતાવી. આ ચિત્રકાર ને આ સંગીતભકત જુવાન બંને જુવાનોએ એના જીવનમાંથી એક સ્વપ્નમુર્તિ સર્જવાના કોડ સેવ્યા હતા, તે વાત તનુમતી જાણતી હતી. વની દ્રષ્ટિ બેઉ જણાની વચ્ચે દોર બાંધવા લાગી.

"કેમ, જનાર્દનભાઈ !" તનુમતીએ ત્રીજા જણને સંભાળ્યો: "તમે ક્યાંથી ભૂલા પડ્યા!"

"આ રસ્તે સદાય ભૂલો પડું એવું થાય છે!"

જનાર્દનનું આ બોલવું ચંદ્રશેખરને કે કુમારભાઈને રુચ્યું નહિ તે જનાર્દને સ્પષ્ટ જોયું. ચન્દ્રશેકારે કટાક્ષ કર્યો: "આજકાલ કવિતાના તો ચકલેચૌટે રેલા ચાલે છે રેલા, હો તનુબહેન!"

"જ્યાંથી ચિત્રકારની પીંછી પ્રેરણા મેળવે છે, ને સંગીતપ્રેમીના મનોરથો સંતોષાય છે, ત્યાં મારા જેવા રંક નાટ્યકારને મારી આકાંક્ષાઓ