પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂર્ત કરવાનું પાત્ર જડે, એમાં તમને શી નવાઈ લાગી ? “ કહીને જનાર્દન તનુમતી તરફ વળ્યો “ “તનુબહેન, મારા ‘ગુર્જરી’ નાટકમાં ગોવાલણનો પાઠ તમારા વિના હૂં કોઈને નથી સોંપવાનો, તે કરતાં તો બહેતર છે કે નાટક જ મારે બાળી નાખવું. “

“પણ શા માટે? મારા કરતાં કોઈ લાયક શું નથી મળતી ?”

“લાયક હો યા ના હો - પણ મેં તો તમને જ મારી કલ્પના સમક્ષ રાખીને મેના ગુર્જરીનું પાત્ર આલેખ્યું છે; તમારા જ કંઠેથી પડતાં હોય તેવા બોલ મેં ગૂંથ્યા છે. ઉપરાંત ગુર્જરીના વરની ભૂમિકા મેં મને અનુલક્ષીને આલેખી છે...”

કુમારભાઈ અને ચંદ્રશેખરના માથા પર જાણે વીજળી ત્રાટકી.

“અજબ નાટક !” કુમારભાઈથી ના સહેવાયું” ‘મેના ગુર્જરીનો વર શું મૂળ લોકકથામાં મોટા હોઠવાળો, ચીબાનાકવાળો ને ઠિંગુજી હતો !”

“જૂનો જમાનો એટલે કજોડું જ હશે ને !” ચંદ્રશેખરે ટાપસી પૂરી.

તનુમતીએ પણ ખૂબ દાંત કાઢીને કહી દીધું : “ તો તો, જનાર્દનભાઈ, મારો પાઠ જ હું ભૂલી જઈશ !”

“ના, એમ નથી;” જનાર્દને ખુલાસો કર્યો : “ મૂળ લોકકથાને મેં એવું રૂપ આપ્યું છે કે ગુર્જરીનો પતિ અનાકર્ષક હતો તે કારણે જ ગુર્જરીને બહારના બાદશાહી લાલિત્યની મોહિની લાગી હતી. પણ પાછળથી ગુર્જરીને એ પતિના દિલાવરીભર્યા ને ક્ષમાશીલ શૂરાતન પ્રત્યે ભક્તિ ઊપજી, ને એના બાહ્ય મોહ મરી ગયા."

"ત્યારે એ હિસાબે તો આપણું કજોડું નહીં થાય!"

"નહીં જ; ઊલટાનું ઔચિત્ય જળવાશે, ને જો આ બંને ભાઈઓને વાંધો ન હોય તો - "

બેઉની આંખો પ્રદીપ્ત બની.

"-તો હું તેઓની કનેથી આટલી સેવા માંગું; કુમારભાઈ નાટકને દહાડે તનુમતી બહેનના શોભાશણગારનું કામ ઉઠાવવનું કબુલ કરી લ્યે; ને ચંદ્રશેખરભાઈ મેના ગુર્જરીનાં ગીતોમાં તનુમતીબહેનનએ તૈયાર કરે."